Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી તાલુકાનાં બ્રેઈનડેડનાં બે કિડની અને લિવરનાં દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન

  • August 04, 2023 

રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામના રોહિતભાઈ રામુભાઈ પટેલ બ્રેઈનડેડ થતા તેમની બે કિડની અને લિવરના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી અંગદાનની કુલ ૩૯ ઘટનામાં ૭૪ કિડની, ૩૫ લિવર, ૧૦ આંખો, ૩ હ્રદય, ૭ હાથ, ૩ આંતરડા અને ૧ પેન્ક્રિયાઝ મળી કુલ ૧૩૩ અંગોનું દાન થયું છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીખલીના ચરી ગામ નિવાસી ૫૫ વર્ષીય રોહિતભાઈ પત્ની રમીલાબેન સાથે રહેતા હતા. ગત તા.૧લી ઓગસ્ટે સવારે તેઓ બાઈક પર મુળી ગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગભરામણ થતાં રોડસાઈડે બાઈક થોભાવી નીચે બેસી ગયા હતાં.



કોઈ અજાણ્યા વ્યક્તિએ મદદ કરી તેઓને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સવારે ૧૦:૦૦ વાગ્યે સારવાર માટે દાખલ કર્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોકટરે તા.૦૧લીએ સાંજે ૪:૦૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સીમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર અર્થે રિફર કર્યા હતા. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૩જી ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૩:૨૯ વાગ્યે ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.મેહુલ મોદી, RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ટીબી વિભાગના વડા અને યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામા, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો રોહિતભાઈના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી.



ખાસ કરીને ફ્લેર પેનની કંપનીમાં નોકરી કરતી રોહિતભાઈની દીકરી અલ્કાબેને ‘પિતાના અંગોનું દાન જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે’ એમ જણાવીને આગળ વધવા સમંતિ આપી હતી. આજે તા.૩ ઓગસ્ટે બ્રેઈનડેડ રોહિતભાઈની કિડની અને લીવરનું દાન સ્વીકારી ત્રણે અંગોને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ RMO ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૩૯મુ અંગદાન થયું છે એમ જણાવી ડો.ગોવેકરે રાષ્ટ્રીય અંગદાન દિને અંગદાનનો નિર્ણય લઇ પ્રેરણાદાયી પગલું ભરનાર પટેલ પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application