બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ ‘યાબા’ જપ્ત કરી છે. આ ટેબલેટ પાગલપણાની દવા તરીકે પણ ઓળખાય છે. નાર્કોટિક્સ ટેબલેટનો આ જથ્થો મિઝોરમમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેથી મળી આવ્યો છે. રાજ્ય સરકારની સ્પેશિયલ નાર્કોટિક્સ પોલીસ અને બીએસએફના જવાનોના સંયુક્ત ઓપરેશનમાં ઐઝવાલ જિલ્લાના સેલિંગ શહેરમાં નેશનલ હાઇવે નં. ૬ પર એક ટ્રકને રોકી હતી. ચોક્કસ ગુપ્તચર માહિતીને આધારે આ ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકમાંથી કુલ ૪૦ પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટમાં ચાર લાખ મેથેમ્ફેટામાઇન ટેબલેટ (યાબા) હતી.
ગોળીઓનો આ જથ્થો ટ્રક ડ્રાઇવરના કેબિનમાંથી મળી આવ્યો હતો યાબાનો અર્થ થાઇમાં પાગલપણાની દવા તરીકે ઓળખવામાં આવે છે. આ દવામા મેથેમ્ફેટામાઇન અને કેફિનનું સંયોજન છે. એન્ટિ નાર્કોટિક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દવાઓનું નિર્માણ મ્યાનમારની કેમિકલ લેબોરેટરીઓમાં કરવામાં આવે છે. આ દવા બનાવવા માટેનો કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે. આ દવાઓની બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવે છે. આ માટે ભારતીય સરહદનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. આ દવા યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ દવાથી કિડની, હૃદય, લિવર અને મગજને નુકસાન થાય છે. ઉલ્લેખનીય છે કે, ૪૦૯૬ કિમીની બીએસએફ ભારત-બાંગ્લાદેશ સરહદનું રક્ષણ કરે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬.૨૯ લાખ યાબા દવા જપ્ત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500