નવસારીમાં એક ડાયરાના કાર્યક્રમ દરમિયાન સુરત શહેર ટ્રાફિક પોલીસના પોલીસ સબ ઇન્સ્પેકટર(PSI) અને કથિત બુટલેગરો એક મંચ પર જોવા મળ્યા હતા. એટલું જ નહિ કુખ્યાત બુટલેગરોએ ડાયરાના મંચ પર PSI પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પર આ વીડિયો વાયરલ થતા પોલીસની છબી ખરડાઈ છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
એક અહેવાલ મુજબ ઓટો રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા સાંઈ મંદિર મંદિરના પાટોત્સવ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સુરત ટ્રાફિક રિજન-3માં ફરજ બજાવતા PSI એસ એફ ગોસ્વામી પણ ડાયરાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અગાઉ એસ એફ ગોસ્વામી નવસારીના પોલીસ સ્ટેશનમાં તૈનાત હોવાથી તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન, યુનિફોર્મ પહેરીને PSI સ્ટેજ પર આવ્યા હતા અને કલાકારો પર રૂપિયા વરસાવતા બુટલેગરો સાથે જોડાઈ ગયા હતા. ત્યાર બાદ બુટલેગરોએ PSI ગોસ્વામી પર પણ નોટોનો વરસાદ કર્યો હતો, PSI પણ આનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
PSI એસ. એફ. ગોસ્વામી પર રૂપિયા વરસાવનાર કથિત કુખ્યાત બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબા અને લાલો હોવાનું જાણવા મળ્યું છે. PSI સાથે નવસારીના કેટલાક અન્ય પોલીસ જવાનો પણ હાજર હતા. એક અહેવાલ મુજબ PSI ગોસ્વામી સુરતમાં ડયુટી પર હતા પરંતુ તેઓ નવસારી ડાયરામાં યુનિફોર્મ પહેરીને જ પહોંચી ગયા હતા.સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસ શરૂ કરી દેવમાં આવી અને ગોસ્વામી અને અન્યના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500