સોનગઢ વાડીરૂપગઢ ગામે દેશીદારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા પોલીસકર્મીનો કોલર પકડી ઢીક્ક મુક્કીનો માર મારતા તેઓને છોડાવવા વચ્ચે પડેલા અન્ય પોલીસકર્મીને પણ મારમાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
રાજ્યભરમાં દારૂબંધીનો કાયદો સરકાર દ્વારા કડક બનાવવામાં આવ્યો હોવાછતાં બુટલેગરો અને દારૂડિયાઓ બેખોફ બન્યા છે. પોલીસ દ્વારા નવા કાયદા મુજબ કાર્યવાહી શરુ કરવામાં આવી રહી હોવાછતાં બુટલેગરો પણ બિન્દાસ્ત બની ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચલાવી રહ્યા છે. ત્યારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે સોમવારે સાંજે વાડીરૂપગઢ ગામના સરપંચ ફળિયામાં જતા આગળ જંગલ વિસ્તારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન એક વાંસનું બનાવેલ છાપરા માંથી બે મોટી ડોલોમાં દેશીદારૂ બનાવવા માટેનું મહુડાનું રસાયણ સાથે સુરેન્દ્રભાઈ લીમજીભાઈ ગામીત તેમજ શીલાબેન લીમજીભાઈ ગામીતને ઝડપી પાડી પોલીસે પૂછ પરછ હાથ ધરી હતી.
તમો કોને પૂછીને અમારા ગામમાં આવેલ છો, તમે પોલીસ અમારા ગામના સરપંચની પરમીશન લીધી છે કે કેમ ??.
તે દરમિયાન છાપરાથી થોડી દુર ઉભેલા અન્ય બે ઈસમો પોલીસકર્મીઓને કહેવા લાગેલ કે, તમે કોણ છો ? પોલીસકર્મીઓઓ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો હોવાની ઓળખાણ આપી બંને ઈસમોનું નામ પૂછતા તેઓ પૈકી એક ઈસમે પોતાનું નામ જયેશભાઈ કાન્તિલાલભાઈ ગામીત તેમજ બીજા ઇસમે પોતાનું નામ લીમજીભાઈ ઈદીયાભાઈ ગામીત હોવાનું જણાવેલ, પોલીસની કાર્યવાહી દરમિયાન બંને ઇસમો પોલીસકર્મીઓને કહેવા લાગેલ કે, તમો કોને પૂછીને અમારા ગામમાં આવેલ છો, તમે પોલીસ અમારા ગામના સરપંચની પરમીશન લીધી છે કે કેમ ??. તેમ કહી બંને ઈસમોએ દારૂ બનાવવાનો આથો (રસાયણ) ભરેલ બંને ડોલો ઢોળી નાખેલ જેથી પોલીસકર્મી જીગ્નેશભાઇ મોબાઈલથી બંને ઈસમોની કરતુત રેકોડીંગ કરતા હતા.
આજે તમે પોલીસ બચી ગયા છો, બીજી વાર આમારા ગામમાં રેઇડ કરવા આવશો તો જાનથી મારી નાખીશું
તે સમયે એક મહિલા સહિત ચારેય જણા પોલીસકર્મીને તમે વિડીયો કેમ ઉતારો છો ??. તેમ કહી પોલીસકર્મીનો કોલર પકડી ઢીક્ક મુક્કીનો માર મારતા તેઓને છોડાવવા વચ્ચે પડેલા અન્ય એક પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો. એટલું જ નહી ચારેય આરોપીઓ જતાં જતાં પોલીસકર્મીઓને કહેતા ગયા હતા કે, આજે તમે પોલીસ બચી ગયા છો, બીજી વાર આમારા ગામમાં રેઇડ કરવા આવશો તો જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપી જતા રહ્યા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ દશરથભાઈની ફરિયાદના આધારે શીલાબેન લીમજીભાઈ ગામીત, સુરેન્દ્રભાઈ લીમજીભાઈ ગામીત, જયેશભાઈ કાન્તિલાલભાઈ ગામીત અને લીમજીભાઈ ઈદીયાભાઈ ગામીત ચારેય રહે, વાડીરૂપગઢ-સોનગઢ નાઓની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500