મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં દોણ ગામના દાદરી ફળીયામાંથી વગર પાસ પરમિટે દારૂનું વેચાણ કરનાર બુટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી કુલ રૂપિયા 7.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે આ ગુનામાં એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ સ્ટાફના માણસોને તારીખ 07/૦3/2024નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભીમસિંગ ઉર્ફે ગિંબિયાભાઈ તેના સાગરીતો મારફતે દોણ ગામના દાદરી ફળિયામાં પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરી વેચાણ કરે છે અને હાલ પણ વિદેશી દારૂના વેચાણની પ્રવૃત્તિ ચાલે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢ ઓટા ચાર રસ્તાથી નીકળી રાણી આંબા રેલવે ફાટક થઈ ચાંપાવાડી ગામથી ટોકરવા ગામના દાદરી ફળિયાની રોડની બાજુમાં આવેલ એક પાકા મકાન પાસે ખાનગી વાહનમાં આવી બાતમીવાળી જગ્યા પર જોતાં એક ઈસમ પોતાના મકાનની આગળ પાર્કિંગની જગ્યામાં ઊભો હતો.
જોકે પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ ભીમસિંગ ઉર્ફે ગિંબિયાભાઈ ગામીત (રહે.દોણ ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ભીમસિંગને સાથે રાખી અને સ્થળ પરની મળી આવેલ બંને ફોર વ્હીલ વિશે પૂછતા તેને જણાવ્યું હતું કે, જેમાંથી એક ફોર વ્હીલ કાર નંબર GJ/16/AJ/3623ને પોતાની માલિકીની હતી અને જે તેના પત્નીના નામ પર છે તથા બીજી ફોર વ્હીલ કાર સ્કોર્પિયો નંબર MH/20/BC/02૦૩ જે તેના સંબંધીના નામે હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને ફોર વ્હીલ કાર ખોલી ચેક કરતા તેમાંથી કાળા કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં તથા પૂંઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની નાની મોટી કુલ નંગ 519 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 60,490/- તથા 1 નંગ મોબાઈલ અને બે ફોર વ્હીલ તેમજ રોકડ રૂપિયા મળી 7,40,040/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર સંદીપ નરેશ ગામીત (રહે.નવાપુર)નાંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500