ખેડા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગની ટીમે કઠલાલના લસુન્દ્રા નજીકથી વિદેશી દારૂની ડિલિવરી કરવા નીકળેલા એક લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડયો છે. અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર બાલાસિનોરથી લસુન્દ્રા થઈ નડિયાદ તરફ જઈ રહેલા અમદાવાદના બુટલેગરને પકડી તેની પાસેથી 1.99 લાખના વિદેશી દારૂ, ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ઝડપાયેલા બુટલેગર સહિત આ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો સામે પણ ગુનો નોંધ્યો છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગની ટીમે મોડી રાત્રે અમદાવાદ-ઈન્દૌર રોડ પર કઠલાલ નજીક લસુન્દ્રાના બસ સ્ટોપ પાસે એક સ્વીફ્ટ ગાડીને પકડી હતી. જે ગાડીની તપાસ કરતા પાછળના ભાગે કાળા કપડાની આડમાં બોક્સની અંદર વિદેશી દારુ ભરેલો હતો. તેમજ ડીક્કીમાં પણ વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતા તેનું નામ મહેબુબભાઈ અબ્દુલસત્તાર શેખ (રહે.શાહપુર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કઠલાલ પોલીસને બોલાવી અને હદ નક્કી કર્યા બાદ કાર અને આરોપીને પોલીસ જાપ્તામાં કઠલાલ પોલીસ મથક લઈ ગયા હતા.
જ્યાં વિદેશી દારૂનો મુદ્દામાલ ગણતા દારૂની 1,257 બોટલો જેની કિંમત 1,98,516 ગણી જપ્ત કરી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા, આરોપી અનેય પોલીસ મથકોમાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું હતું. આરોપીએ પોતે અમદાવાદના હુસૈન નામના વ્યક્તિના કહેવાથી આ કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ પિન્ટુ નામના વ્યક્તિએ આ દારૂ લાવવા માટે લોકેશન નાખ્યું હોવાનો કબુલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500