Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇ એરપોર્ટની આસપાસનાં મકાનો અને બાંધકામો તોડી પાડવાનો બોમ્બે હાઇકોર્ટેનો આદેશ

  • July 30, 2022 

વિમાનોના ઉડ્ડયન અને ઉતરાણમાં અવરોધરૂપ મુંબઇ એરપોર્ટ આસપાસના 48 મકાનો અને બાંધકામો તોડી પાડવાનો બોમ્બે હાઇકોર્ટે ઉપનગર જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ ઊંચાઇની મર્યાદાનું ઉલ્લંઘન કરી ઊભા કરવામાં આવેલા બાંધકામો વિમાનોની અવર-જવરમાં બાધારૂપ હોવાથી હવાઇ સલામતીની બાબત ધ્યાનમાં રાખી આ બાંધકામો તોડી પાડવાનો હાઇ કોર્ટે આજે આદેશ આપ્યો હતો.




મુંબઇની વડી અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ એમ.એસ.કર્ણિકની બનેલી ડિવિઝન બેન્ચે હવાઇ-સલામતી માટેના જોખમી બાંધકામો તોડી પાડવાની જવાબદારી મુંબઇ મહાપાલિકા પર ઢોળી દેવાનો પ્રયાસ કરવા બદલ સબર્બન કલેક્ટરનો ઉધડો લીધો હતો. આ બાંધકામો તોડી પાડવા માટે કયા પગલાં લીધા એ જણાવતી એફિડેવિટ 19મી ઓગસ્ટ સુધીમાં નોંધાવવાનો સબર્બન કલેર્ક્ને નિર્દેશ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી તા.22મી ઓગસ્ટ થશે.




હાઇકોર્ટની બેન્ચે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, એરપોર્ટ નજીક અવરોધરૂપ બાંધકામો ઉભા કરવામાં આવ્યા હોય તો તેની સામે કલેક્ટર પગલાં લેવા જ જોઇએ. આ સાથે જ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને નોટિસ બજાવી સંબંધિત સત્તાવાળા મકાનોના વીજળી અને પાણીના જોડાણ પણ કાપી શકે છે. વિમાનોની અવર-જવરમાં જોખમરૂપ એરપોર્ટ આસપાસનાં બાંધકામો વિરુદ્ધ એડવોકેટ યશવંત શેણોયે જનહિતની અરજી કરી હતી.




છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાએ કોર્ટને જાણકારી આપી હતી કે, 2010માં તેમણે સર્વે કર્યો ત્યારે 137 ઇમારતો અને બાંધકામો અવરોધરૂપ જણાયા હતા. આમાંથી 110 મકાનો અને બાંધકામોને નોટિસ બજાવવામાં આવી હતી અને 63 ઇમારતોને અંતિમ આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલે 9 અપીલ ફાઇલ કરવામાં આવી હતી. 6 મકાનોએ નિયમોને અનુસરી વધારાનું બાંધકામ તોડી પાડયું હતું. આ માહિતી 2017માં સબર્બન કલેક્ટર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એધિવેશનને આપવામાં આવી હતી.




જોકે 48 ઇમારતોએ નિયમનું પાલન કરી ઉંચાઇ ઘટાડવાના પગલાં લીધા ન હોવાથી અને અપીલ પણ કરી ન હોવાથી તેને તત્કાળ તોડી પાડવાની જરૂરિયાત ઉભી થઇ છે. હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે કલેક્ટરને તોડકામની પ્રક્રિયા હાથ ધરતા રોકી શકે એવો કોઇ કાનૂન નથી. આ કામગીરી હાથ ધરવામાં મહાપાલિકા અને મુંબઇ પોલીસ પણ સહાય કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application