થાણેનાં વાગલે એસ્ટેટ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. આ કોલ સેન્ટરમાંથી અમેરિકી નાગરિકોને લોનની લાલચ આપી તેમની પાસેથી પૈસા પડાવાતા હતા. આ પૈસા એક અમેરિકી એજન્ટ ત્યાં કલેક્ટ કરી લેતો હતો અને હવાલાથી અહીં મોકલી દેતો હતો. પોલીસે કુલ 16 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે સાત દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. જોકે ઝડપાયેલામાં ત્રણ યુવતીઓનો પણ સમાવેશ થાય છે.
બનાવની વિગત એવી છે કે, થાણે પોલીસને બાતમી મળી હતી કે વાગલે એસ્ટેટમાં એક કોલ સેન્ટર ધમધમી રહ્યું છે. જોકે શુક્રવારની મોડી રાતે પોલીસે અહીં દરોડો પાડયો હતો. પોલીસે 3 યુવતી સહિત 16 લોકોને અટકાયતમાં લેતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં આરોપીઓએ કબુલ્યું હતું કે, તેઓ અહીં બેઠા બેઠા જ અમેરિકી નાગરિકોનાં કોલ ડેટા મેળવી તેમને ફોન કરતા હતા. તેમને સસ્તામાં લોનની લાલચ અપાતી હતી. તેમના બેન્ક ખાતાંની વિગતો મેળવી લીધા બાદ ખાતામાંથી પૈસાની ઉચાપત કરી લેવાતી હતી.
આ કોલ સેન્ટર સાથે અમેરિકામાં એક એજન્ટ પણ સંકળાયેલો હતો. તે અમેરિકામાં ડોલરમાં પૈસા કલેક્ટ કરી લેતો હતો અને બાદમાં હવાલાના રૂટ દ્વારા અહીં મોકલી આપતો હતો. આ કામગીરીના બદલામાં તેને ઊંચું કમિશન મળતું હતું. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં કોલ સેન્ટરનાં સંચાલક 33 વર્ષીય સુધીર ભૈડકર તથા 26 વર્ષની સાનિયા રાકેશ જયસ્વાલ તથા અન્યોનો સમાવેશ થાય છે.
આ કોલ સેન્ટરમાં એક સગીર આરોપી પણ મળી આવતાં જરૂરી કાર્યવાહી બાદ તેની સોંપણી તેના માતા-પિતાને કરવામાં આવી હતી. પોલીસે કોલ સેન્ટરમાંથી ડેટા ઉપરાંત અનેક ઉપકરણો તથા સાધનો તપાસ અર્થે કબજે લીધાં હતાં. જોકે આરોપીઓ સામે IPC, ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ ઉપરાંત ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓને ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતાં મેજિસ્ટ્રેટેટ તેમને સાત દિવસનાં પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500