આંધ્ર પ્રદેશની એક ફાર્મા કંપનીમાં સૌથી મોટા વિસ્ફોટના સમાચાર છે, જેમાં 15 જણાનાં મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ફાર્મા કંપનીમાં આગ પછી વિસ્ફોટમાં મોટી જાનહાનિ થઈ છે, જેમાં પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે. અચુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) સ્થિત ફાર્મા કંપની એસિએન્ટિયામાં બ્રેક દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેથી ઘટનાસ્થળે અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું.બપોરના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો, જ્યારે લંચ હોવાથી અમુક લોકો બહાર નીકળી ગયા હતા. અમુક લોકો કેમિકલથી દાઝી ગયા છે. જોકે, આ વિસ્ફોટ ભયાનક હતો, જેને સાંભળીને લોકોના હોશ ઉડી ગયા હતા. લોકોએ વિસ્ફોટને સાંભળ્યા પછી બહાર દોડી ગયા હતા, એમ એક પીડિતે જણાવ્યું હતું.
આ દુર્ઘટના પછી ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, પોલીસ સહિત અન્ય એજન્સીને બચાવ કામગીરી માટે ધસી ગયા હતા. ત્રણ માળની બિલ્ડિંગમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને અનકાપલ્લી સ્થિત વિભિન્ન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટ વખતે કંપનીમાં લગભગ 300થી વધુ કર્મચારી હાજર હતા. વિસ્ફોટ પછી અચાનક પહેલા માળનો સ્લેબ ધસી પડ્યો હતો, જેથી બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હતો.આ દુર્ઘટના પછી પીડિતોને તાત્કાલિક અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને વળતર આપવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વિસ્ફોટ અંગે દુખ વ્યક્ત કર્યું હતું તથા જિલ્લા ક્લેક્ટરની સાથે વિગતવાર માહિતી લીધી હતી. વિપક્ષે પણ ઘાયલોને હોસ્પિટલમાં તાત્કાલિક સુવિધા પૂરી પાડવા તથા ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાના ઉકેલ અંગે આવશ્યક પગલા ભરવાનો અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500