સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી. જેમાં તાપમાન માઈનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતાં શહેરમાં કડકડતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં ડિસેમ્બર મહિના દરમિયાન ઇતિહાસમાં અત્યાર સુધીનું ત્રીજું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં મેદાન સૌથી ઠંડો વિસ્તાર હતો, જ્યાં લઘુત્તમ તાપમાન માઈન્સ 10.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અનંતનાગ શહેરમાં માઈનસ 9.9 ડિગ્રી સેલ્સિયસ અને પુલવામા શહેરમાં પણ લઘુત્તમ તાપમાન -9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડી રાત નોંધાઈ હતી.
જ્યારે લાર્નુમાં માઈનસ 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ચંદીગઢ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. કાશ્મીરમાં ઝોજિલા સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 24.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પ્રવાસન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ન્યોમા લદ્દાખ ક્ષેત્રમાં માઈનસ 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દ્રાસમાં રાત્રિનું તાપમાન માઈનસ 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજધાની લેહમાં તાપમાન માઈનસ 11.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે કારગીલમાં પણ લઘુત્તમ તાપમાન માઈનસ 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે 21થી 23 ડિસેમ્બરની વચ્ચે ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં 28 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. સવારના સમયે કડકડતી ઠંડીના કારણે અનેક વિસ્તારોમાં નળ જામી ગયા હતા અને લોકોએ પાણીની પાઇપો ગરમ કરીને પાણી પુરવઠો પૂરો પાડવો પડ્યો હતો. કડકડતી ઠંડીને કારણે, દાલ સરોવરના ભાગો સહિત મોટાભાગના જળાશયો થીજી ગયા હતા. IMD અનુસાર, 23 ડિસેમ્બરે લાહૌલ સ્પીતિ, કુલ્લુ અને ચંબાના ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે હમીરપુર, મંડી, ઉના અને બિલાસપુર માટે ઑરેન્જ ઍલર્ટ અને કુલ્લુ, ચંબા અને કાંગડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500