Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિવાસી જનનાયક એવા બિરસામુંડાનાં નામથી રાજપીપળામાં કાર્યરત છે બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી

  • June 09, 2023 

9મા ભોમની આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભારત માતાને અંગ્રેજોની ઝંઝીરોમાંથી મુકત કરવા માટે હજારો ક્રાંતિવીરોએ બલિદાનો આપ્યા છે. એવા જ સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના જનનાયક, લોકનેતા એટલે બિરસામુંડા. બિરસા મુંડા તેમનો જન્મ હાલના ઝારખંડ રાજયમાં ૧૫મી નવેમ્બર ૧૮૭૫માં રાંચીમાં થયો હતો. તેમની માતાનું નામ કર્મી તથા પિતાનું નામ સુગના મુંડા હતું. બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. જોકે પહેલાથી જ આદિવાસી સમાજની ચિંતા કરતાં બિરસા અંગ્રેજોએ કરેલા દમનથી વ્યાકુળ હતા. મુંડાએ પોતાના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળે તે માટે નેતૃત્વ પ્રદાન કર્યું.


૧૮૯૪માં છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ આ કપરા સમયમાં સેવાની ધુણી ધખાવી અને લોકોની ખુબ સેવા કરી. સેવા યજ્ઞ અને અંગ્રેજોની ચુંગાલમાંથી આદિવાસીઓને મુક્ત કરાવવાની નેમ સાથે બિરસાએ આદિવાસી યુવાનોને સાથે રાખીને અંગ્રેજો સામે રણશિગુ ફુક્યું. જોકે, ૧૮૯૫માં અંગ્રેજોએ બિરસા અને તેમના સાથીઓની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પણ બિરસાએ જગાવેલી અલખ આંધી બની ગઈ હતી. દુષ્કાળ પિડીત જનતાની સેવાથી બિરસા હવે આદિવાસીઓના મસીહા બની ગયા હતા અને તેથી જ તેમને વિસ્તારના લોકો ધરતી બાબા તરીકે બોલાવતા અને પૂજતાં થયા.


અને આદિવાસીઓને હવે સાચી દિશા મળી અને તેમના નેતૃત્વમાં આદિવાસીઓ એકત્ર અને સંગઠિત થયા. એક સામાન્ય પરિવારમાંથી આવતાં બિરસા હવે આદિવાસીઓના નાયક બની ગયા હતા.બાળપણમાં જંગલમાં ઘેટા બકરા ચરાવતા બિરસા હવે અંગ્રજોના દાંત ખાટા કરી રહ્યા હતા. ૧૮૯૭થી ૧૯૦૦ દરમિયાન અંગ્રેજો અને બિરસા વચ્ચે અનેક લડાઇઓ થઈ. બિરસા અને તેમના સાથીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો. અંગ્રેજોની ગોળીઓ સામે બિરસાની સેનાના તીર કામઠા ભારે પડી રહ્યા હતા. અંગ્રેજોના ઠેકાણાઓ પર તીરોનો વરસાદ કરી અંગ્રેજોને પાછા હટવા મજબૂર કરી દીધા હતા.


અંગ્રેજોના ખૂંટી થાણા પર થયેલો તીરોનો વરસાદ આજે પણ મોટા આક્રમણ તરીકે યાદ કરાય છે.જેમાં ચારસો આદિવાસી યુવાનોએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાંખ્યા હતા. ૧૮૯૮માં તાંગા નદીના કિનારે થયેલી લડાઈમાં અંગ્રેજ સેનાની હાર થઈ. જોકે ત્યાર બાદ અનેક આદિવાસીઓની ધરપકડ થઈ અને બાદમાં થયેલા સંઘર્ષઓમાં અનેક આદિવાસીઓ શહીદ થયા.બાદમાં ચક્રધરપુરમાં બિરસાએ જાતે જ ધરપકડ વ્હોરી. જોકે થોડા સમય બાદ કારાગારમાં ૯મી જૂન ૧૯૦૦નાં દિવસે રહસ્યમય રીતે મૃત્યૃ થયું હતું. ગુજરાત સરકારે પણ આદિવાસી જનનાયક એવા બિરસામુંડાના નામથી રાજપીપળામાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી કાર્યરત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News