Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Biporjoy : દ્વારકા અને કચ્છમાં કલાકના ૧૦૦-૧૨૦ કિ.મી.ની ઝડપે વિનાશક વાવાઝોડુ ત્રાટક્યુ

  • June 16, 2023 

વ્યાપક ભય સાથે જેનો ઈંતજાર હતો  તે પ્રચંડ વાવાઝોડુ 'બિપોરજોય 'આજે ગઈકાલે પકડેલી દિશા જાળવી રાખી કલાકની ૧૧૫-૧૨૫ કિમી (મહત્તમ ૧૪૦ કિમી) ઝડપે ઘુમરાતું કચ્છ ઉપર ત્રાટક્યું હતું જેના પગલે કચ્છ ઉપરાંત તેની નજીક  દરિયામાં આવેલા દ્વારકામાં તારાજીની અતિ તીવ્ર અસર જોવા મળી હતી. પૂર્વાનુમાન મૂજબ વાવાઝોડાનો અગ્રભાગ આજે સાંજે  ૫.૩૦ વાગ્યે કચ્છના જખૌ બંદરને સ્પર્શ કર્યો તે સાથે જ દ્વારકા અને કચ્છમાં કલાકના ૧૦૦-૧૨૦ કિ.મી.ની ઝડપે વિનાશક વાવાઝોડુ ફૂંકાવાનું શરુ થવા સાથે અનેક છાપરાં, શૅડ, વૃક્ષ,થાંભલા ધરાશાયી થયા હતા, દરિયાના પાણી કાંઠાળ ગામોમાં ફરી વળ્યા હતા. તો સૌરાષ્ટ્રના મોરબી,જામનગર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ જિલ્લામાં પણ ૫૦-૬૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું. વરસાદનું જોર રાત્રિ સુધી ઓછુ રહ્યું છે પરંતુ, પવન અતિ તીવ્ર  ઝડપે ફૂંકાયો હતો.


આજે વાવાઝોડુ બપોરના બદલે રાત્રિના ત્રાટકતા ગુજરાત ઉપર ખતરો આજે ઘટી જવાને બદલે લંબાયો છે. મૌસમ વિભાગે ખરાબ મૌસમ માટે આવતીકાલે રાજ્ય માટે,ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છસહિત રાજ્ય માટે  રેડ મેસેજ જારી કર્યો છે. વાવાઝોડાએ આજે ઉત્તર-પૂર્વની એટલે કે કચ્છ તરફની દિશા જારી રાખી હતી અને આવતીકાલે રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધશે અને રાજસ્થાનમાં તે આવતીકાલે સાંજ સુધીમાં ડીપ્રેસનમાં ફેરવાય તેમ છે.હાલ તેની અનુમાનિત દિશા કચ્છથી જોધપુર તરફ છે.  ડીપ્રેસનમાં ફેરવાયા પછી પણ પવનની ઝડપ ૫૫ કિ.મી. સુધીની રહેતી હોય છે ત્યારે તા.૧૬ના સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,મહેસાણા, પાટણ જિલ્લામાં ૫૫ કિ.મી.ઝડપે પવન સાથે છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. શનિવારે કોઈ ચેતવણી નથી અને વાવાઝોડાની સીસ્ટમનો રાજસ્થાનમાં પૂરું થશે. 


સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં આવીને વાવાઝોડુ બે દિવસથી વિનાશક તાકાત જાળવીને આગળ વધવામાં ધીમુ પડી ગયું છે, મૌસમ વિભાગના વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે વિવિધ પરિબળો એવો નિર્દેશ કરે છે કે વાવાઝોડુ તેના માર્ગ ઉપર આગળ વધતું ધીમે ધીમે નબળુ પડશે. અર્થાત્ ખતરો આવતીકાલે સવારથી સાંજ દરમિયાન જારી રહેવાની સંભાવના છે. આશરે ૮-૧૦ કિ.મી.ની આંખ એટલે કે કેન્દ્ર ધરાવતા આ વાવાઝોડાનો વ્યાસ આશરે ૫૦૦-૬૦૦ કિ.મી.નો છે. તા.૬ જૂને સૌરાષ્ટ્રથી  ૧૧૬૦ કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં સર્જાયા બાદ તેણે ૯ વખત વળાંક લીધો છે,૯ દિવસે સૌરાષ્ટ્રમાં ત્રાટક્યું ત્યારે તેની તીવ્રતા તે સર્જાયું તેના કરતા અઢી ગણી વધારે છે. કચ્છમાં તેણે ત્રાટકવાનું શરુ કર્યું તે પ્રક્રિયા પૂરી થતા છએક કલાકનો સમય લાગ્યો હતો. 


સમગ્ર કચ્છનો વિસ્તાર આજે બંધ કરાવાયો છે, દરિયાકિનારેથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે, રાત્રે ૧૦૦ કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે વરસાદ  પણ જારી રહ્યો છે.રાત્રિના ૮ વાગ્યે વાવાઝોડુ જખૌથી આશરે ૫૦ કિ.મી.ના અંતરે આવી પહોંચ્યું હતું અને અને રાત્રિના ૧૧ આસપાસ લેન્ડફોલ થવાનું જણાવાયું છે. પણ સાંજથી તેની સમગ્ર જિલ્લામાં અતિ તીવ્ર અસર વર્તાઈ છે તેમ કચ્છ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું. 


જ્યારે દ્વારકાથી અહેવાલ મૂજબ આ પ્રસિધ્ધ યાત્રાધામ સ્થળમાં વેપાર-ધંધા સજ્જડ બંધ કરી દેવાયા છે, શહેરમાં અનેક સ્થળે મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા હતા. મકાનો,કારખાનાના શેડ,છાપરાં ઉડયા હતા. બપોર પછી પવનનું જોર પહેલા ૭૦-૮૦ બાદમાં ૧૦૦ કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે ત્યાં આજે કાંઠા ઉપરના ઘરોમાં,માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા છે, મામલતદાર કચેરી બહાર શેડ, ભડકેશ્વર મંદિરના પતરાં ધસી પડયા હતા અને ગોમતીઘાટ પર દરિયાના ધસમસતા પાણીથી નુક્શાનીના અહેવાલ છે. 


જામનગરમાં સાંંજે સાડાસાતથી  પવનને જોર પકડયું હતું અને ૮૦ કિ.મી. ઝડપે વાવાઝોડુ ફૂંકાતા અનેક વૃક્ષો,વિજપોલ ધરાશયી થયા હતા અને શહેરમના કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. સાંજે ધોધમાર દોઢ ઈંચ વરસાદ પણ વરસી ગયો હતો.


સૌરાષ્ટ્ર-કચ્છ પર આફત વધુ સમય લંબાતા યાત્રાધામો,હરવા ફરવાના સ્થળો, બસ,ટ્રેન વ્યવહાર તેમજ વિમાની સેવા આવતીકાલે પણ બધ રાખવા નિર્ણય લેવાયો છે. દ્વારકાધીશ મંદિરના વહીવટદારે જણાવ્યા મૂજબ જગતમંદિર આજે બંધ રહ્યું હતું તે આવતીકાલે પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સોમનાથ મહાદેવ મંદિર પણ આવતીકાલે બંધ રાખવા આજે નિર્ણય જાહેર કરાયો છે. સૌરાષ્ટ્રનો પ્રસિધ્ધ પરબધામનો અષાઢી બીજનો મેળો પણ આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે રાજકોટમાં તા.૧૪,૧૫ માટે બંધ કરાયેલ ઝૂ, રામવન, ગાંધી મ્યુઝિયમ, રેસકોર્સ ઉદ્યાન સહિતના સ્થળો હવે આવતીકાલે પણ બંધ રાખવાનું જાહેર થયું છે. આમ, ખતરો લંબાતા બંધ પણ લંબાયો છે. 


'બિપોરજોય 'વાવાઝોડાએ સૌરાષ્ટ્ર નજીક આવીને પણ સતત દિશા બદલતું રહ્યું છે. ગઈકાલ તા.૧૪ના તે ઉત્તર દિશાથી કલાકો સુધી સ્થિર રહીને દ્વારકાની દિશામાં વળ્યું પરંતુ, પછી કરાંચીની દિશામાં અને અંતે કચ્છની સરહદે જખૌ પાસે લખપત તરફની દિશામાં વળ્યું હતું. જો દ્વારકા કે પોરબંદર પાસે ત્રાટક્યું હોત તો સૌરાષ્ટ્રમાં અનેકગણી વધુ તારાજીનો સંભવ હતો પણ તેમ થયું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application