સુરત જિલ્લાનાં માંડવી-ઝંખવાવ રોડ પર રૂપણ ગામની સીમમાં કારે બાઇકને ટક્કર મારતા ચાર વર્ષીય બાળકી સહિત ચારને ઇજા પહોંચી હતી. જે પૈકી ચાલકનું મોત થયું હતું. જ્યાં ઈજાગ્રસ્ત દંપતી અને તેની પુત્રીને ઈજા થઈ હતી. મૂળ રાજસ્થાનના નાગોર જીલના કુંદશલૌતા ગામનાં અને હાલ સુરત શહેરના સચિન ખાતે આવેલા સાઈ રિદ્ધિ રો-હાઉસ ખાતે રહેતા મુકેશ પરસારામ મેધવાલ (ઉ.વ.૩૨) ઈલેકટ્રિશયનનું કામ કરે છે.
ગત તારીખ ૧/૧/૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યે તે તેની પત્ની ભારતીબેન, નાની પુત્રી દિપાલી (ઉ.વ.૪), સાથે મોટરસાઈકલ નંબર જીજે/૫/પીએફ/૭૦૧૮ લઈને દેવમોગરા મંદિરે દર્શન કરવા માટે સચિનથી નીકળ્યા હતા. તેમની સાથે મિત્ર ગિરીશભાઈ રાવજીભાઈ ચૌધરી (હાલ રહે.સચિન, મૂળ રહે સઠવાવ, તા.માંડવી,જી.સુરત), તેની પત્ની કરુણાબેન સાથે મોપેડ પર સવાર હતા. તેમની સાથે મુકેશની બે દીકરીઓ દિવ્યાબેન (ઉ.વ.૭) અને દિવ્યાંશી (ઉ.વ.૬) સવાર હતા. દેવમોગરા દર્શન કરી તેઓ પરત સુરત ફરી રહ્યા હતા. આ વખતે મુકેશની મોટર સાઈકલ ગિરીશ ચલાવતો હતો અને પાછળ મુકેશ અને તેની પત્ની ભારતી અને નાની પુત્રી દિપાલી બેઠા હતા. જયારે ગિરીશનું મોપેડ તેની પત્ની કરુણાબેન ચલાવતી હતી અને મોડી સાંજે તેની પાછળ દિવ્યા અને દિવ્યાંશી બેઠા હતા.
તેઓ માંડવી ઝંખવાવ માર્ગ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે રૂપણ ગામની સીમમાં સામેથી પૂરઝડપે આવતી વેગનઆર કાર નંબર જીજે/૨૬/એ/૬૦૧૪ના ચાલકે ગિરીશની મોટર સાઈકલને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ગિરીશ અને તેની સાથે બેઠેલા મુકેશ, ભારતી અને નાની બાળકી દિપાલીને ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર માટે માંડવી સરકારી દવાખાનામાં અને ત્યાંથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ચારેયને ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન ગિરીશભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500