વલસાડ જિલ્લાનાં ગુંદલાવ ખાતે જમવાનું લેવા જવા માટે બાઈક લઈને નીકળેલા બાઈક ચાલકની આંખ સામેથી આવી રહેલા વાહનની હેડલાઈટથી અંજાઈ જતા તેણે બાઈકના હેન્ડલ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. ત્યારબાદ સ્લીપ થયેલી બાઈક નજીકનાં નાળા સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. જે બાબતની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ અકસ્માતમાં અન્ય એકને પણ સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતુ. મળતી માહિતી મુજબ, વલસાડના ગુંદલાવ હાઇવે ખાતે ખાનગી માલિકીના પ્લોટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના બાંસવાડા વિસ્તારના રહીશ ઈશ્વરભાઈ હરચંદભાઈ ભુરીયા બાંધકામની સાઈટ ઉપર મજૂરી કામ કરે છે. તેમની સાથે નરુલાલ તગુભાઈ કટારા પણ મજૂરી કામ કરે છે. નરુલાલ ઈશ્વરભાઈ સાથે બાઈક નંબર જીજે/૧૫/ડીએ/૭૬૨૯ લઈને જમવાનું લેવા માટે ગુંદલાવ હાઈવે તરફ નીકળ્યા હતા. તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક ચાલક નરુલાલ અને બાઈક સવાર ઈશ્વરભાઈ સામેથી આવી રહેલા વાહનની લાઈટથી અંજાઈ ગયા હતા.
જયારે અંજાઈ ગયેલા બાઈક ચાલક નરુલાલએ બાઈકના હેન્ડલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જે બાદ તેની બાઈક હાઈવે પર આવેલા નાળા સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં નરુલાલને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બાઈક પર ચાલક પાછળ બેઠેલા ઈશ્વરભાઈને પ્રમાણમાં ઓછી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે નરુલાલને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઈશ્વરભાઈએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500