વલસાડનાં કુંડી ગામે હાઈવે પરના ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા ભૂતસર ગામના એક બાઈકને પાછળ આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. આ સાથે જ શ્રમજીવી ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો હતો. તેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમજીવીનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. અકસ્માત સર્જનાર ટ્રકના ચાલકને લોકોએ પીછો કરીને ઝડપી પાડી ડુંગરી પોલીસને સોંપી દીધો હતો.
મળતી માહિતી મુજબ, વલસાડના ભૂતસર ગામના નવાપુરા ફળિયામાં રહેતા ગમનભાઈ ચનાભાઈ રાઠોડ છુટક મજૂરી કામ કરતા હતા અને એકલા જ રહેતા હતા. ગમનભાઈ રાઠોડ સોમવારે મજૂરી કામની શોધમાં વલસાડ નજીકના કુંડી હાઇવે સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક ટ્રકના ચાલક શૈલેષસીંગ રવિન્દર સીંગ (મૂળ રહે. ઉત્તરપ્રદેશ)એ તેમના કબજાનાં વાહનથી ગમન ભાઈની સાયકલને ટક્કર મારી હતી.
આ સાથે જ ગમનભાઈ ઓવરબ્રિજની આશરે ૨૫ ફૂટ ઊંચાઈએથી જમીન ઉપર પટકાતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તેથી ગમનભાઈનું સ્થળ પર જ મોત થયુ હતુ. અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિક રહીશોએ તેનો પીછો કરી ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને ડુંગરી પોલીસના હવાલે કર્યો હતો. ઘટના અંગે મૃતકના ભાઈ નટુભાઈ રાઠોડે ટ્રક ચાલક સામે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500