મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં બેડકીનાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગમાં બાઈક ચાલકને વગર પાસ પરમિટે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારે મોડી સાંજે પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુરથી એક બાઈક ઉપર એક ઈસમ કાળા કલરના બેગમાં ઇંગલિશ દારૂનો જથ્થો ભરી લઈને સાકરદા ગામ તરફ જનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બેડકીનાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા.
તે દરમિયાન નવાપુર હાઇવે રોડ ઉપરથી બાતમીવાળી બાઇક નંબર GJ/26/L/4266 આવતા જોઈ પોલીસે લાકડીના ઇશારે બાઈક ચાલકને સાઈડમાં ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ તેનું નામ પૂછતા તેને પોતાનું નામ પિયુષ અમરસિંહભાઈ વસાવા (રહે.કુઈદા ગામ, બસ સ્ટોપ ફળિયુ, તા.ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસેના કાળા કલરના બેગમાં જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 40 નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે વિદેશી દારૂની બોટલો અને બાઈક મળી કુલ રૂપિયા 36,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500