રાજસ્થાનના બહુચર્ચિત 1992ના અજમેર સેકસ કાંડમાં એક મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે 6 આરોપીઓને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે જ તમામ 6 કેદીઓને 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે. અજમેરની પોક્સો કોર્ટે 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો મેયો કોલેજની 100થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે સંકળાયેલો છે, જેઓને બ્લેકમેલ કરવામાં આવી હતી. 32 વર્ષ બાદ આ કેસમાં ચુકાદા સમયે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતા.
આ મામલો 32 વર્ષ પહેલાંનો છે, જ્યારે અજમેરની પ્રખ્યાત મેયો કોલેજની 100થી વધુ વિદ્યાર્થિનીઓને આરોપીઓએ ફોટા પાડીને બ્લેકમેલ કરી હતી. આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીન હુસૈનનો સમાવેશ થાય છે. પોક્સો કોર્ટે આ તમામને દોષિત જાહેર કર્યા છે. દોષી સાબિત થયા પછી, પોલીસે તમામને કસ્ટડીમાં લીધા અને ચુકાદા સમયે બપોરે 2 વાગ્યે ફરીથી કોર્ટમાં રજૂ કર્યા.
કોલેજની સોથી વધુ વધુ વિદ્યાર્થિનીઓ પર અત્યાચાર ગુજારનાર આ ગુનેગારો જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેમણે બેશરમીની તમામ હદો વટાવી દીધી હતી. દોષિત જાહેર થયા પહેલા તેઓ એકબીજા સામે હસી રહ્યા હતા જો કે આજીવન કેદની સજા સંભળાવતા જ તેઓના માથા નમી ગયા હતા. કોર્ટે સજા સંભળાવ્યા બાદ તમામ ગુનેગારોને અજમેર જેલમાં મોકલી દેવાયા હતા.
શું હતો કેસ ? : આ કેસમાં કુલ 18 આરોપીઓ હતા. જેમાંથી 9 ને પહેલા જ સજા થઈ ચૂકી છે, જ્યારે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. વેપારીના પુત્ર પર કુકર્મ ગુજારવાનો અન્ય એક આરોપી સામે અલગ કેસ ચાલી રહ્યો છે. એક આરોપી હજુ ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. આ કેસમાં 6 આરોપીઓની સુનાવણી આ વર્ષે જુલાઈમાં પૂર્ણ થઈ હતી અને 8મી ઓગસ્ટે ચુકાદો આવવાનો હતો પરંતુ હવે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500