ગયા વર્ષે, એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોય તેવો એક મામલો સામે આવ્યો છે. સલમાન ખાન બોલિવૂડનો પ્રખ્યાત અભિનેતા છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે. સલમાન તેના ચાહકોને પણ ખુલ્લેઆમ પણ મળતા રહે છે. પરંતુ આ દિવસોમાં તેમની સુરક્ષા પણ ચિંતાનો વિષય છે.
મળતી માહિતી પ્રમાણે નવી મુંબઈના પનવેલ સ્થિત અભિનેતાના ફાર્મ હાઉસમાં બે શકમંદોએ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બાદ સિક્યોરિટી ગાર્ડે આ બંને લોકોને પકડી લીધા છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે. પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી હતી. હાલ પોલીસ આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે અને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘુસવા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસને બંને આરોપીઓ પાસેથી નકલી આઈડી કાર્ડ પણ મળી આવ્યા છે, જોકે તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આરોપીએ સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે અભિનેતા ત્યાં હાજર નહોતો. આરોપીઓએ વાયર તોડીને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. બંનેની ગતિવિધિઓ શંકાસ્પદ છે પરંતુ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાને સલમાન ખાનના ચાહક હોવાનું જાહેર કર્યું છે. બનાવ અંગે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500