કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે હેઠળ મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શોર્ટ ટર્મ લોનની સમયસર ચુકવણી માટે ખેડૂતો માટેની ઇન્ટરેસ્ટ સબર્વેશન સ્કીમ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે જે ખેડૂતોએ 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ લોન લીધી છે તેમને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે. આ સ્કીમ માટે કેબિનેટની બેઠકમાં રૂપિયા 34,856 કરોડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સ્કીમ હેઠળ ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન 7 ટકાના દરે આપવામાં આવે છે. આજે લેવામાં આવેલા નિર્ણય અનુસાર આ સ્કીમ હેઠળ લોન લેનારા ખેડૂતોને વ્યાજમાં 1.5 ટકાની છૂટ આપવામાં આવશે. કેબિનેટની બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બેઠકમાં લેવાયેલા વિવિધ નિર્ણયોની માહિતી આપી હતી.
નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને મોટો લાભ આપવા માટે ઇન્ટરેસ્ટ સબવેંશન સ્કીમ ચાલુ રાખી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને 3 લાખ સુધીની શોર્ટ ટર્મ લોનના વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે. કેન્દ્ર સરકારને આ સ્કીમને અમલમાં મૂકવા માટે 2022-23થી 2024-25ના સમયગાળા માટે 34,856 કરોડ રૂપિયા ફાળવવા પડશે.
જોકે સરકારની તરફથી સહકારી સમિતિઓ અને બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે શોર્ટ અને લોંગ ટર્મ લોન આપવામાં આવે છે. આ લોનને કેટલાક ખેડૂત સમયસર પૂર્ણ કરી દેતા હોય છે અને જ્યારે અનેક ખેડૂતો કોઇ કારણસર આ લોન સમયસર પૂર્ણ કરી શકતા નથી. જે ખેડૂત સમયસર લોન ચુકવી દે છે તેમને આ ઇન્ટરેસ્ટ સબવેંશન સ્કીમનો ફાયદો મળશે. કેબિનેટ બેઠકમાં અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ હોસ્પિટાલિટી સેક્ટરની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ઇસીએલજીએસ) માટે વધારાના 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500