દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રહી ચૂકેલા બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન થયું છે. એઈમ્સ, દિલ્હીના તબીબોના મતે તેઓ આંતરડાના ઈન્ફેક્શનનો ભોગ બન્યા હતા. પહેલી નવેમ્બરે સવારે સાત વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ભારતીય અર્થતંત્ર માટે મહત્ત્વનું યોગદાન આપનારા દેબરોયે દેશની આર્થિક નીતિઓને આકાર આપવામાં અત્યંત મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે તમામ ભારતીય પુરાણોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર દેબરોયનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘ડો. દેબરોયને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમનું જ્ઞાન અને એકેડેમિક ચર્ચા પ્રત્યેનો જુસ્સો હું હંમેશા યાદ રાખીશ. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ડો. બિબેક દેબરોય એક મહાન વિદ્વાન હતાં. તેઓ અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સંસ્કૃતિ, રાજનીતિ, અધ્યાત્મ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં પારંગત હતા. તેમનાં ઉત્કૃષ્ટ યોગદાને ભારતના બૌદ્ધિક દ્રષ્ટિકોણ પર એક અમીટ છાપ મૂકી છે. તેમના જીવનના ઉદ્દેશો પૈકી એક ઉદ્દેશ જાહેર નીતિમાં યોગદાન ઉપરાંત પ્રાચીન ગ્રંથો પર કામ કરવું અને તેને યુવાનો માટે સરળ બનાવવાનો હતો. દેબરોયે પ્રેસિડન્સી કોલેજ કોલકાતા, ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સ, પૂણે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, દિલ્હીમાં કામ કરી ચૂક્યા છે.
મેઘાલયના શિલોંગમાં 25 જાન્યુઆરી, 1955ના રોજ જન્મેલા બિબેક દેબરોય નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશન સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ ક્રયા બાદ પ્રેસિડેન્સી કોલેજ અને બાદમાં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. તેઓ પુણેની ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. તેઓ કાયદાકીય સુધારણા માટે કાર્યરત UNDP પ્રોજેક્ટ્સના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. અનેક પુસ્તકો અને લેખોના લેખક અને સંપાદક પણ હતા. અર્થશાસ્ત્રીની સાથે સાથે તેઓ એક ઉમદા લેખક પણ હતા. તેમણે મહાભારત, રામાયણ, અને ભગવદ ગીતા જેવા ગ્રંથોનું સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો. તેમના દાદા-દાદી બાંગ્લાદેશમાંથી આવ્યા હતાં. દેબરોયના પિતા ભારત સરકારની ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં કામ કરતાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500