ગુજરાતના સીએમનું નામ આખરે જાહેર કરી દેવાયુ છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીઆર પાટીલે અને નીતિન પટેલ રેસમાં હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સુકાન સોંપાયુ છે. જોકે, સતત ત્રીજીવાર સીએમ પદમાં નીતિન પટેલનું પત્તુ કપાયુ છે.
કમલમ ખાતે સૌથી પહેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેના બાદ કોર કમિટીની બેઠક મળી હતી. છેલ્લી ઘડીએ કોર કમિટીની બેઠકમાં સમીકરણો બદલાયા હતા. પહેલા મુખ્યમંત્રીના રેસમાં બે નામ હતા. જેમાં પાછળથી આરસી ફળદુનું નામ પણ સામેલ થયુ હતું. કોર કમિટીની બેઠકની શરૂઆતમાં જ આરસી ફળદુનુ નામ ચર્ચામાં અચાનક આવ્યુ હતું. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે અચાનક જ ભૂપેન્દ્ર પટેલનુ નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કોર કમિટીની બેઠક બાદ ભારે મનોમંથન કરાયુ હતું, અને આખરે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી હતી. આ નામ ક્યાંય ચર્ચામાં ન હતું, ક્યાંત વાતમાં ન હતું.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ
દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
પાટીલ વર્સિસ પટેલની લડાઈમાં ભૂપેન્દ્ર ફાવી ગયા
મુખ્યમંત્રીની બનવાની રેસમાં પટેલ વર્સિસ પાટીલ ચાલી રહી હતી. જેમાં બંને પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા હતા. બંને વચ્ચે કાંટે કી ટક્કર હતી. ધારાસભ્યોની બેઠક શરૂ થયાના થોડી ક્ષણોમાં જ નીતિન પટેલ સોશિય મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ નીતિન પટેલના નામની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ પાટીલ વર્સિસ પટેલની લડાઈમાં ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500