Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંજય ગાંધી નેશનલ પાર્કનાં ગીચ જંગલમાં આવેલ ભૂતબંગલા અને તુલસી જળાશયનું જિર્ણોદ્ધાર કરાશે

  • November 22, 2022 

1860માં બાંધવામાં આવેલ ભૂતબંગલા અને તુલસી જળાશય ખાતે 1879માં બાંધવામાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો જિર્ણોદ્ધાર કરવાની મુંબઇ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી-એમએચસીસી-એ મંજૂરી આપી છે. આ બંને બાંધકામો સંજય ગાંધી નેશનલ પાર્કનાં ગીચ જંગલમાં આવેલા છે. બીએમસીનાં હેરિટેજ કન્ઝર્વેશન સેલમાં કામ કરતાં સંજય આઢવે જણાવ્યું હતું કે, અમને એમએચસીસી તરફથી તથા અમારા એડિશનલ કમિશનર તરફથી આ બંને બાંધ કામોને જિર્ણોદ્ધાર કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. આખરી નિર્ણય માટે અમે ટૂંક સમયમાં વન વિભાગનાં અધિકારીઓને મળીશું. જેને ત્યજી દેવામાં આવ્યો છે તે ઇન્સ્પેકશન બંગલો જે સત્તાવાર રીતે પણ ભૂતબંગલા તરીકે જાણીતો છે તેના જિર્ણોદ્ધાર માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 



બ્રિટિશ ઇજનેર આર.વોલ્ટન દ્વારા આ બંગલો બાંધવામાં આવ્યો હતો. તેમાં ફાયર પ્લેસ અને ઘોડાર પણ છે. બંગલા અને વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટને એમએચસીસી દ્વારા હેરિટેજ ઇમારતોની યાદીમાં સમાવવામાં આવેલા છે. હાલ આ બંગલાની જગ્યાએ માત્ર ચાર દિવાલો જ મોજૂદ છે. આ બંગલો એવા સ્થાને બનાવવામાં આવ્યો છે જ્યાંથી તુલસી, વિહાર અને પવઇ જળાશયો પર નજર રાખી શકાય છે.  બ્રિટિશ દ્વારા વિકસાવવામાં આવેલા તુલસી જળાશયના સ્થાને પહેલાં તુલસી ગામ વસેલું હતું.



જોકે ગામ વાસીઓને અન્યત્ર વસાવી ત્યાં ડેમ બાંધવામાં આવ્યો હતો. બ્રિટિશ દ્વારા વિકસાવવામાં ઓવેલું આ બીજું જળાશય છે. તુલસી જળાશય મલબાર હિલ સાથે સિંધુ જોડાણ ધરાવે છે. તુલસી ડેમમાંથી નીકળતાં પાણીના પાઇપ સેનાપતિ બાપટ રોડ પરથી પસાર થાય છે. આ રોડનું જુનું નામ એટલે તુલસી પાઇપ રોડ હતું. આ તુલસી જળાશયના ફિલ્ટરેશન પ્લાન્ટને  સુધારવામાં 15 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. બીએમસી આ ફિલ્ટરેશન પ્લાન્ટની અંદર એક નાનું સંગ્રહાલય બનાવવાની પણ યોજના ધરાવે છે.




જોકે, આ બંગલા સુધી મુલાકાતીઓને જવા મળશે કે કેમ એ સવાલ છે. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બંગલો ગીચ જંગલ વિસ્તારમાં આવેલો છે જેમાં દીપડા, મગર અને અન્ય હિંસક પ્રાણીઓ વસે છે એટલે મુલાકાતીઓન ત્યાં જવા દેવામાં આવશે નહીં. 1991 સુધી દિવસનાં ભાગે મુલાકાતીઓ આ વિસ્તારમાં જઇ શકતા હતા પણ બાદમાં ગીચ જંગલમાં ગુનાખોરીનું પ્રમાણ વધતાં પર્યાવરણ વાદીઓએ તત્કાલીન રાજ્ય કક્ષાનાં પર્યાવરણ પ્રધાન માણેકા ગાંધીને પત્ર લખી ફરિયાદ કરતાં વન વિભાગે આ વિસ્તારમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application