Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઐતિહાસિક દાંડી યાત્રા સાથે જોડાયેલું સુરતનું ભીમરાડ ગામ બનશે જિલ્લાનું નવું નજરાણું

  • September 29, 2023 

તારીખ ૨૭ સપ્ટેમ્બરને દર વર્ષે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ વિશ્વભરમાં પર્યટન વિશે લોકોમાં જાગૃતિ લાવી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ પ્રવાસન દિનની ઉજવણી દ્વારા વિશ્વભરના લોકોમાં પરસ્પર સંસ્કૃતિ અને સમજણમાં વૃધ્ધિ કરી શકાય છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સુરત શહેરના નૈઋત્ય સીમાડા પર સ્થિત ભીમરાડ ગામ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘ડેવલપમેન્ટ ઓફ ગાંધી સ્મારક પ્રોજેકટ એટ ભીમરાડ’ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે.



ભારતની આઝાદીની લડતમાં ઐતિહાસિક દાંડી કુચ સાથે જોડાયેલા મહાત્મા ગાંધીના આદર્શો દર્શાવવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા “ડેવલપમેન્ટ ઓફ ગાંધી સ્મારક પ્રોજેકટ એટ ભીમરાડ” ને વિકસાવવા માટે રૂા.૧૦ કરોડના ખર્ચે ફેઝ-૧નું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીજીના વિચારો અને સાદગીપૂર્ણ જીવનની સમજણ આપવા માટે યુવાનોના સાંસ્કૃતિક જીવનને સમૃધ્ધ બનાવવાના લક્ષ્યાંક સાથે ‘ડેવલપમેન્ટ ઓફ ગાંધી સ્મારક પ્રોજેકટ એટ ભીમરાડ, જિ. સુરત’ દ્વારા દેશના વિવિધ પ્રવાસીઓને સાંકળવાનો પ્રોજેક્ટ હેઠળ ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને બહુહેતુક હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોર્ટ્સ/એક્ટિવિટી ગ્રાઉન્ડ, વહીવટી કચેરી, ટોયલેટ બ્લોક્સ, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને પ્રવાસનને વેગ આપવાનો છે.



ભીમરાડ ખાતે વિકસી રહેલા સુરતના નવા નજરાણા વિષે ગામના અગ્રણી બળવંત ભાઈ પટેલ જણાવે છે કે, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલી ભીમરાડની ઐતિહાસિક યાદો ‘ગાંધી સ્મારક’માં જીવનભર સ્મૃતિરૂપે કંડારાયેલી રહેશે. જે ભીમરાડના ઇતિહાસને સદાય જીવંત રાખવામાં સહભાગી બનશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાયેલી કામગીરીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ભીમરાડમાં વિકસી રહેલું નવું પર્યટન સ્થળ સમગ્ર રાજ્ય તેમજ દેશમાં સુરતનું ગૌરવ બનશે જે સુરતની યશકલગીમાં વૃધ્ધિ કરશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં ભીમરાડ ગામે આવેલું તળાવ અને ગાંધીજીએ ભરેલી સભાનું મેદાન પણ વિકસાવવામાં આવશે.



ભીમરાડ સાથે જોડાયેલા ઇતિહાસની ઝાંખી: આ સ્થળની ઐતિહાસિક હકીકતો જોઈએ તો, ૬એપ્રિલ, ૧૯૩૦ના રોજ, ભીમરાડ ખાતે શિબિરનું નેતૃત્વ કરનારા મહાત્મા ગાંધીના પુત્ર, રામદાસ ગાંધીને મીઠાના કાયદાને તોડવા બદલ તેમના ચાર સ્વયંસેવકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ ૯ એપ્રિલ, ૧૯૩૦ના રોજ ભીમરાડ ખાતે ઐતિહાસિક જાહેર સભાને સંબોધન કર્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો આઝાદી માટે ઉત્સાહથી અને બલિદાન ભાવનાથી જોડાયા હતા. આ સભાએ બ્રિટીશ સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું. વધુમાં ભીમરાડ ખાતે મહાત્મા ગાંધીના પુત્રવધૂ ડો.શિવાલક્ષ્મી ગાંધીએ અંતિમ શ્વાસ લીધા હતા.



વિશ્વ પ્રવાસન દિવસનો ઇતિહાસ:

ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ઓફિશિયલ ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન (IUOTO) દ્વારા ૨૭ સપ્ટેમ્બર, ૧૯૭૦ના રોજ મેક્સિકો સિટીમાં એક ખાસ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ પ્રવાસન સંગઠનનું મોડેલ અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન(UNWTO) એ સપ્ટેમ્બર ૧૯૭૯ના અંતમાં આ જ દિવસે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. અને દર વર્ષે વિવિધ થીમ હેઠળ ૨૭ સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application