સુરત જિલ્લા પંચાયતના નવા સુકાની બિનહરીફ જાહેર
સુરત જિલ્લા પંચાયતની આજે નવા ચૂંટાયેલા સભ્યોની મળેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે ભાવેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન પટેલ ની સત્તાવાર વરણી કરવામાં આવી છે પ્રદેશ ભાજપ મોવડી મંડળે આ બંનેની ગઈકાલે પસંદગી કર્યા બાદ આજની બોર્ડમાં વિધિવત તાજપોશી થઈ હતી પ્રમુખ ભાવેશ પટેલે જિલ્લા પંચાયતના વહીવટમાં માનવતા લક્ષી યોજનાઓનો વધારેમાં વધારે સામાન્યજન સુધી લાભ પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે નું વચન આપ્યું હતું.
સુરત જિલ્લા પંચાયતનો સને ૨૦૦૮માં વિભાજન બાદ તાપી જિલ્લો અલગ રચના થતાં જિલ્લા પંચાયત ઉપર ભાજપ સાશનનો કબજો રહ્યો છે. અને આજથી ભાજપને નવા પાંચમાં પ્રમુખ મળ્યા છે પંચાયતના પ્રમુખ તરીકે ઉમેદવારી કરનાર ભાવેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી કરનાર ગીતાબેન પટેલ બિનહરીફ થઈ ગયા છે નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા આજે ૧૧ કલાકે મળી હતી અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી સામાન્ય સભાના અધ્યક્ષ કલેક્ટર ધવલ પટેલે બંનેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે અને બંને આજે વિધિવત રીતે જિલ્લા પંચાયત નો કાર્યભાર સંભાળી લીધો છે.
વધુ વિગતો મુજબ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયતની ગઈ ચૂંટણીમાં ૩૬ બેઠકો પૈકી ભાજપે ૩૪ બેઠકો ઉપર ઝળહળતો વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ફાળે સમ ખાવા પૂરતી માંડવી તાલુકાની દેવગઢ અને ઘંટોલી બેઠક આવી છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો ઉપર વિજય મેળવ્યા બાદ પ્રદેશ મોવડી મંડળે બારડોલી તાલુકાની વાંકાનેર બેઠક ઉપરથી વિજય મેળવનાર અને ગ્રામ પંચાયતનો ૧૫ વર્ષ સુધી વહીવટનો બહોળો અનુભવ ધરાવતા અને બાબેન ગામને રાષ્ટ્રીય ફલક ઉપર સ્થાન અપાવી રૂપિયા ૭૬ લાખનું કેન્દ્ર સરકારનું ઈનામ અપાવનાર ભાવેશભાઈ નગીનભાઈ પટેલ ઉપર પાર્ટીની સંગઠન પાંખે પ્રમુખ તરીકે પસંદગી ઉતારી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે માંડવી તાલુકાની અરેઠ બેઠક ઉપરથી વિજયી થયેલા ગીતાબેન વિજયભાઈ પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
જિલ્લા પંચાયતનું સુકાન સંભાળી ને તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં માનવલક્ષી યોજનાઓનો વધારેમાં વધારે સામાન્યજન સુધી લાભ પહોંચે અને લોકોની સમસ્યાઓ ઉપર વધારે ધ્યાન આપી જિલ્લા માં રોડ રસ્તા આવાસો સૌચાલય તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાના કામો થાય તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નો સધિયારો આપ્યો હતો. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યો અને વહિવટી પાંખના અધિકારીઓ ને એક સૂત્રતા થી સાથે રાખી અને જિલ્લા પંચાયત રાજ્ય લેવલે એક મોડેલ જિલ્લા પંચાયત તરીકે સ્થાન પામે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે એમ. જણાવ્યું હતું. આ ઉપરાંત બંને સુકાનીઓની વરણીને પક્ષના કાર્યકરો એ ફટાકડા ફોડી આતશબાજી કરીને વધાવી લીધી હતી તેમજ બંને સુકાનીને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને અશ્વિન પટેલ (દાઢી) તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત લીધી હતી અને બજેટ મંજુર કરવા અને પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવા ચાલુ માસાંતે જ સામાન્ય સભા બોલાવવા અંગેની ચર્ચા પણ હાથ ધરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500