Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમોદ તાલુકા નાહિયેર મંદિર ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા

  • August 31, 2020 

રાજય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં ભરી રહી છે અને રાજયના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો બહુમૂલ્ય ફાળો રહેલો છે.કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકશાન માટે રાજય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકેલ છે આ યોજના હેઠળ મળવાપાત્ર લાભોની વિગતવાર માહિતી સહકાર રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આમોદ તાલુકાના નાહિયેર મંદિર ખાતે યોજાયેલા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં ખેડૂતોને આપી હતી.

 

આમોદ, જંબુસર, વાગરા એમ ત્રણ તાલુકાને આવરી લેતા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પારદર્શક, સરળ અને ઝડપી યોજના છે જે રાજયના બધા ખેડૂતોને આવરી લેતી યોજના છે. ખરીફ ઋતુના બધા પાકો માટે આ યોજનાનો લાભ મળશે જેમાં ખેડૂતોને કોઇ પણ પ્રીમિયમ કે ફી ભરવાની નથી તેમ જણાવ્યું હતું.

 

મંત્રીશ્રીએ વધુમાં ઉર્મેયું કે અનાવૃષ્ટિ, માવઠા, દુકાળની આફતોથી જો પાકને ૩૩ ટકા થી ૬૦ ટકા સુધીનું નુકશાન થયું હશે તો રૂ..૨૦,૦૦૦/- અને ૬૦ ટકાથી વધુ નુકશાન થયું હશે તો રૂ..૨૫,૦૦૦/- ની સહાય મહત્તમ ચાર હેકટર સુધી મળવાપાત્ર છે. 

 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી રાજયમાં ખેતી પર સહુથી વધુ ધ્યાન આપવામાં આવી રહયું છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહયું કે રાજય સરકાર વાવણીથી લઇને વેચાણ સુધી ખેડૂતોની તકલીફોના સંકલિત ઉકેલનું આયોજન કર્યું છે.

 

મંત્રીશ્રીએ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની પણ વિસ્તૃત જાણકારી આપી હતી સાથો સાથ ગાય આધારિત ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા મંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.

 

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.જે.ભટ્ટે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ખેડૂતો માટેની નવી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

 

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન સહિત ખેતીવાડી વિભાગના અધિકારીગણ, આગેવાન પદાધિકારીઓ, કૃષિ તજજ્ઞો, આમોદ, જંબુસર, વાગરા તાલુકાના ખેડૂત ભાઇ-  બહેનો ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application