Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચનાર ભરૂચનો એન્જીનીયર અને તેના મુંબઈનાં મિત્રને ઝડપી પાડ્યો

  • July 24, 2024 

સુરત શહેરનાં હોડી બંગલાનાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જીનીયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે. ભરૂચ હાજીખાના બજારના અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પણ નુકશાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાનાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેઈડ કરી ત્યાંથી રૂપિયા 12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે મોઈનુદ્દીન, તેના બે મિત્રો કાપડ દલાલ મોહમદ જાફર મોહમદ સિદ્દીક ગોડીલ અને શ્રમજીવી રાસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારીની ધરપકડ કરી હતી. કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સનાં બંધાણી કાપડ દલાલ મોહમદ જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઈનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડયું હતું.


તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાસીદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો. ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું. લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમદ જાફર ગોડીલની પુછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અતહર મંસુરી પાસેથી મંગાવતો હોવની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જીનીયર 27 વર્ષીય અતહર આરીફ મંસુરીને ઝડપી લીધો હતો. તેની પુછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખીયા પાસેથી મંગાવતો હોય પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફીટીંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખીયાને પણ ઝડપી લીધો હતો.


લાલગેટ પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું. પણ નુકશાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. અતહર મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમદ જાફર ગોડીલને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.


ઝડપાયેલા અતહર અને અશરફે મુંબઈથી અગાઉ બે વખત ડ્રગ્સ મંગાવ્યું હતું. જયારે ભરૂચના અતહરે મુંબઈ રહેતા મિત્ર અશરફને તેને આપવાના ત્રણ લાખ પરત કરવા માટે મુંબઈથી કોઈ પાસેથી એમ.ડી.ડ્રગ્સ મેળવીને મોકલવાની અને તેમાંથી જે નફો મળે તેમાંથી ત્રણ લાખ પરત કરવાનું કહેતા અશરફે સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવ્યું હતું. અશરફ ડ્રગ્સનું પાર્સલ બનાવીને ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ અતહરને મોકલતો હતો.


અતહર પાર્સલ મેળવી મિત્ર ઝમીર મારફતે ભરૂચમાં અને મોહમદ જાફર ગોડીલને સુરત આપવા આવતો હતો. બંને ડ્રગ્સ જોઈતું હોય ત્યારે સામાન જોઈએ છે અને ડિલિવરી વખતે નજીકમાં પોલીસ દેખાય તો મહેમાન હૈ તેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. તેમજ લાલગેટ પોલીસે જ્યાંથી ડ્રગ્સ વેચાતું હતું તે મોઇનુદ્દીનની ભજીયાની લારી અને પાનનો ગલ્લો વરસતા વરસાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application