ઝઘડિયા તાલુકામાં રાજપારડીથી ભાલોદ વચ્ચેના માર્ગ પર પ્રાંકડ ગામ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બે બાઇક સામ-સામે ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બે ઇસમોના સ્થળ પરજ મોત થયા હતા. જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડ્યા હતા. રાજપારડી પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગતરોજ બપોરનાં બે વાગ્યાના અરસામાં ઓઘાભાઇ ઉકાભાઇ ડોળાશીયા (ઉ.વ.60) તેમજ શીવા છગન ડોળાશીયા (ઉ.વ.55, બંને રહે. જુનારાજપરા ગામ, તા.તળાજા,ભાવનગર) નાઓ બાઈક લઇને રાજપારડીથી ભાલોદ તરફ જઇ રહ્યા હતા.
તે દરમિયાન તેમની આગળ જઇ રહેલા એક ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી અન્ય એક બાઈક સાથે તેમની બાઈક સામેથી અથડાઇ હતી. આ અકસ્માતમાં ઓઘાભાઇ તેમજ શીવાભાઇ રોડ પર પટકાતાં ટ્રકના પાછળના વ્હિલમાં આવી જતાં તેમના પર ટ્રકનું તોતિંગ વ્હિલ ફરી વળ્યું હતું. જેના કારણે બંનેને ગંભીર ઈજા પહોંચતાં ઓઘા ડોળાશીયા અને શીવા છગન ડોળાશીયા બંનેનું સ્થળ પરજ મોત નીપજ્યુ હતું.
જ્યારે આ અકસ્માતમાં અન્ય બે ઇસમો મેહુલ રાજુ માછી તેમજ પરેશ વિનોદ મકવાણા (બંને રહે. ભાલોદ ગામ,ઝઘડિયા) નાને પણ ઇજા પહોંચી હતી. બનાવ અંગે મેહુલભાઈ રાજુભાઇ માછી નાએ રાજપારડી પોલીસ મથકમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલમાં ખસેડી તેમનાં પરિવારજનોનો સંપર્ક કરી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500