ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે પેટ્રોલ પંપને નિશાન બનાવી લૂંટની બે ઘટનાને અંજામ આપનારા મૂળ પંજાબના બે આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા. જોકે આ લૂંટારૂઓએ બાઈકની ચોરી કરી બંને લૂંટ ચલાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે પેટ્રોલ પંપ ઉપર લૂંટની ઘટના બની હતી. વાગરા તાલુકાના ચાંચવે અને ત્યારબાદ નબીપુર-હિન્ગલ્લા વચ્ચેના પેટ્રોલ પંપ ઉપર લૂંટારાઓએ ત્રાટકી પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી. બે દિવસમાં સતત બે લૂંટની ઘટનાના પગલે જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
જોકે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ આ લૂંટનો ભેદ ઉકેલવા માટે સુચના આપી હતી. જેના પગલે ભરૂચ એલ.સી.બી, એસ.ઓ.જી અને લોકલ પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમજ સીસીટીવી ફૂટેજ, હોટલ ચેકિંગ અને અંગત બાતમીદારોને સક્રિય કરી માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે, સીસીટીવીમાં દેખાતા બે ઇસમો જેવા ઇસમો નબીપુર ગુરુદ્વારા નજીક જોવા મળ્યા છે.
જેને ધ્યાને રાખી વોચ ગોઠવતાં બે શકમંદ મળી આવ્યા હતા. જેમની કડક પૂછપરછ કરતાં તેમણે આ બંને લૂંટને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જયારે ઝડપાયેલા બે ઇસમો રવિન્દર સિંઘ ઉર્ફે બાજવા અને અમિતકુમાર હંસરાજ (મૂળ પંજાબ) ના રહેવાસી છે અને તેમનો અન્ય એક સાગરિત સોનું હાલ ફરાર છે. આમ, ત્રણેય ઇસમોએ ભરૂચ ખાતેથી બાઈકની ચોરી કરી રેકી કરી હતી. આ ત્રણ પૈકી રવિન્દર અગાઉ ભરૂચ ખાતે ડ્રાઈવર તરકે કામ કરતો હોઈ તેને તમામ રસ્તાઓનો ખ્યાલ હતો. તેમણે પહેલા દિવસે વાગરાના ચાંચવેલ ખાતે લૂંટ ચલાવી ચોરીની બાઈક જંબુસર બાયપાસ ઉપર બ્રીજ નીચે મૂકી ત્યાંથી ગુરુદ્વારા ચાલ્યા ગયા હતા.
ઉપરાંત બીજા દિવસે સોના સાથે નબીપુરના પંપ પર લૂંટ ચલાવી હતી. જ્યાં હવામાં ૩ રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું અને ત્યારબાદ આ ચોરીની બાઈક ઝાડી ઝાંખરામાં મૂકી ત્યાંથી ગુરુદ્વારા ચાલ્યા ગયા હતા. પોલીસે હાલ બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ફરાર સોનુની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500