ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પોલીસને સામે ચાલી પડકાર આપતા હોય તેમ તસ્કરો સક્રિય બન્યા છે. શહેરમાં એક જ દિવસમાં 4 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં બે મકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બંને જગ્યાએ મળી તસ્કરોએ રૂપિયા 2.34 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા.
બનાવની વિગત એવી છે કે, જંબુસરની સનરાઈઝ સોસાયટી, કિસ્મત નગર, પંચશીલ સોસાયટી અને શ્રીજીકુંજ સોસાયટીમાં તસકરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાંથી પંચશીલ સોસાયટીમાં રહેતા શબિહાબેન સીરાજભાઈ વોરા પટેલના ઘરમાંથી રોકડ રૂપિયા 50 હજાર સહિત સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.34 લાખની ચોરીની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાઈ હતી.
જયારે બીજા બનાવામાં કિસ્મત નગર સોસાયટીમાં પણ એક બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી 1 લાખ ઉપરાંતની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે સ્થળોએ પણ બંધ મકાનના તાળા તૂટયા હોવાનું સામે આવતા તસ્કરો પોલીસને પડકાર આપતા હોય તેમ જણાવાઈ રહ્યું છે. જોકે, સમગ્ર ઘટનાને પગલે જંબુસર પોલીસ પણ હરકતમાં આવી છે અને જેતે વિસ્તારના સીસીટીવી ફુટેઝ મેળવી, ડોગ સ્ક્વોર્ડ સાથે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500