અંકલેશ્વરનાં વાલિયા-વાડી માર્ગ ઉપર રૂંધા ગામના બસ સ્ટેન્ડ પાસે પિકઅપ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતાં તેના પર સવાર વૃદ્ધાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલકને ઈજાઓ પહોંચી હતી.
બનાવની વિગત એવી છે કે, વાલિયા તાલુકાના રૂંધા ગામના નિશાળ ફળિયામાં રહેતા 45 વર્ષીય સુમન મકનજી ગામીત પોતાની બાઈક નંબર જીજે/26/એમ/2017 પર પોતાના મિત્રની દાદી જાનુ નગીન ચૌધરીને સાથે વિધવા પેન્શન લેવા મીરાપુર ગામે ગયા હતા. જેઓ પરત પોતાના ગામે આવી રહ્યા હતા.
તે દરમિયાન રૂંધા ગામના બસ સ્ટેન્ડ નજીક માર્ગ ઓળંગી રહ્યા હતા તે વેળા પુરઝડપે ધસી આવેલ પિકઅપ ગાડી નંબર જીજે/16/એયુ/4648ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધા જાનુબેન ચૌધરી અને સુમન ગામીતને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 સેવાની મદદ વડે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં વૃદ્ધાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500