Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : ઝઘડિયા-રાજપારડી ચોકડી નજીક ટ્રક પલ્ટી મારતાં શેરડી નીચે કાર દબાઈ ગઈ

  • December 19, 2023 

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક રોડની બાજુમાં ઉભી રાખેલ ફોર વ્હિલર કાર પાસે એક શેરડી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ટ્રકમાં ભરેલ શેરડી પડતા ફોર વ્હિલ કાર દબાઈ ગઈ હતી. આ સમયે ફોર વ્હિલર કારનો ચાલક તેમજ કાર માલિકના પરિવારજનો ફોર વ્હિલર કારમાં બેઠેલા હતા. શેરડી કાર પર પડ્યા બાદ કારના દરવાજા લોક થઈ ગયા હતા. ઘટના સ્થળે ભેગા થઈ ગયેલ લોકોએ ભારે જહેમત બાદ કારમાં બેઠેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.



ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે રહેતા મુસ્તકિમઅલી મોહંમદ ખોખર તા.૧૫મીના રોજ રાતના સાડા નવ વાગ્યાના અરસામાં પરિવારજનોને લઈને રાજપારડી હોટલમાં જમવા આવ્યા હતા. ત્યારબાદ રાજપારડી ચોકડી નજીક બેંક એટીએમ પાસે કાર ઉભી રખાવીને તેઓ પૈસા ઉપાડવા ગયા હતા.કારનો ડ્રાઈવર અને પરિવારજનો કારમાં બેઠેલા હતા. તે દરમ્યાન ત્યાંથી પસાર થતી શેરડીની ટ્રક પલ્ટી મારતા ટ્રકમાંથી શેરડી ધસીને કાર પર પડી હતી. આ દરમિયાન જ કાર લોક થઈ જતાં કારમાં બેઠેલા લોકો ફસાયા હતાં.



જોકે તેમને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળતા સદ્દભાગ્યે જાનહાની ટળી હતી. પરંતુ કારને નુકશાન થયું હતું.આ ઘટના બાબતે કારના માલિક મુસ્તકિમઅલી ખોખર (રહે.ગામ રતનપોર તા.ઝઘડિયાના)એ અકસ્માત બાદ તેની ટ્રક સ્થળ ઉપર મુકીને નાસી ગયેલ ટ્રક ડ્રાઈવર વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે. ઓવરલોડ વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application