અંકલેશ્વરનાં વાલિયા-નેત્રંગ માર્ગ ઉપરથી સીતારામ સેવા ટ્રસ્ટ પાસેથી પીકઅપ ગાડીમાં ડુંગળીની આડમાં લઇ જવાતો રૂપિયા 3.85 લાખનો દારૂ અને ગાડી મળી કુલ રૂપિયા 8.93 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી, ડેડીયાપાડા તરફથી બોલેરો પીકઅપ ગાડી નંબર એમએચ/39/એડી/1578માં ડુંગળીના જથ્થાની અંદર સંતાડી વિદેશી દારૂ ભરી બે ઈસમો વાલિયા બાજુ આવી રહ્યા છે.
જે બાતમીના આધારે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ અલગ અલગ રીતે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર વોચમાં હતો. તે દરમિયાન સીતારામ સેવા ટ્રસ્ટ પાસે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને ઈશારો કરી અટકાવતા એક ઈસમ ગાડીમાંથી કૂદીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ડુંગળીના કટ્ટાની ઓથમાં સંતાડેલા વિદેશી દારૂની 3840 નંગ બોટલ મળી આવી હતી.
આમ, પોલીસે રૂપિયા 3.85 લાખનો દારૂ અને ફોન તેમજ રૂપિયા 5 લાખની બોલેરો પીકઅપ, 20 નંગ ડુંગળીના કટ્ટા મળી કુલ રૂપિયા 8.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત બાડમેરના પીકઅપ ચાલક દુર્ગેશ બાલારામ પોખરરામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક શક્સ ફરાર થઇ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500