સિલ્ક સીટી અને ડાયમંડ સીટી એવું સુરત હવે બ્રિજ સિટી બની રહ્યું છે સુરતમાં અત્યાર સુધીમાં 115 બ્રિજનું નિર્માણ થયું હતું જેમાં આજે ગુજરાત સ્થાપના દિવસે વધુ એક બ્રિજ ખુલ્લો મુકતા સુરતમાં બ્રિજની સંખ્યા 116 થઈ ગઈ છે જ્યારે તાપી નદી પર અત્યાર સુધીમાં 14 બ્રિજ હતા આજે વરાછા વોટર વર્કસને લાગુ તાપી નદી પર બ્રિજ ખુલ્લો મુકતા તાપી નદી પર બ્રિજની સંખ્યા પંદર થઈ ગઈ છે. સુરતમાં વિસ્તાર અને વસ્તી વધતા સુરત મ્યુનિ.તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફ્લાયઓવર બ્રિજ, રેલવે ઓવરબ્રિજ અને ખાડી બ્રિજ અને તાપી નદી પર બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે.
જોકે, આજે ગુજરાત સ્થાપના દિવસે રાજ્ય સરકારના શહેરી ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે મોટા વરાછા વિસ્તારમાં તાપી નદી પર મોટા વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી ઉપર ચડતા-ઉતરતા રેમ્પ સહિત રૂપિયા 115 કરોડના ખર્ચે સાકારિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોશ સાથે મેયર અને પાલિકાના વિવિધ કમિટીના અધ્યક્ષ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી વિનોદ મોરડીયાએ કહ્યું હતું. સુરત મહાનગરપાલિકાના શહેરીજનોને સમય, ઈંધણની બચત થાય તથા ટ્રાફિક સરળીકરણ સુવિધામાં ઉત્તરોત્તર વધારો થાય તેવો અભિગમ સાથે તાપી નદી પર મોટા વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી ઉપર નવનિર્મિત આ બ્રિજ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
આ ઉપરાંત આજે સુરત મ્યુનિ.એ રાંદેર ઝોનમાં 27 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી, વરાછા વિસ્તારમાં પુણા વોટર વર્ક્સ ખાતે 93 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકી, પુણા લેક ગાર્ડન, પુણામાં શાંતિ કુંજ, લિંબાયત ઝોનમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી, કનકપુર કનસાડ ખાતે 98 લાખ લીટર ક્ષમતાની અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી અને ઉમરવાડા ખાતે સંજય નગર પાસે કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન પણ કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500