રીતેશભાઈ કનુભાઈ પટેલ કોઇ એક યોજનાના એક જ પ્રોજેક્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા, વિજળી, ગેસ, ખાતર, આરોગ્ય જેવી પાયાની જરૂરીયાતો પૂર્ણ થતી હોય તે એક ચમત્કાર જેવી બાબત લાગી શકે છે. પરંતુ સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરધન પ્રોજેક્ટ થકી પશુપાલકો-ખેડૂતો ઉક્ત તમામ સુવિધાઓ સાવ નજીવા ખર્ચે પ્રાપ્ત કરી રહ્યાં છે. ગોબર ગેસની આવી ઉપયોગીતાને પારખીને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-NDDB અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં પશુધન ધરાવતા ૨૦૦ કુટુંબોના ઘરઆંગણે બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ૨૦૦ લાભાર્થીઓએ ગોબર પ્લાન્ટની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે તે સાબિત કર્યું છે.
ગોબરગેસ પ્લાન્ટનું નિર્માણ કરનાર ચીખલી તાલુકાના ખરોલી ગામના રહેવાસી રીતેશભાઈ કનુભાઈ પટેલ જણાવે છે કે, ‘મારે ત્યાં પશુઓ છે, અને દિવસમાં અંદાજે ગોબર ગેસના પ્લાન્ટમાં ૩૦ કિલો જેટલું પશુઓનું ગોબર પાણી સાથે મિક્ષ કરીએ છીએ, જેનાથી બે દિવસ સુધી બે ટાઇમ ફૂલ ફોર્સથી રાંધણ ગેસ મળી રહે છે, હવે રસોઈના બળતણ ખર્ચમાં ખૂબ બચત થાય છે. ઉપરાંત, પ્લાન્ટમાંથી નીકળેલી છાણની સ્લરીને અમે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારની સહાય હેઠળ નિર્માણ પામેલા આ બાયોગેસ પ્લાન્ટ થકી અમને ધૂમાડાથી મુક્તિ મળી, સમયમાં બચત થઈ અને પ્રદૂષણમાં પણ ઘટાડો થયો. બાયોગેસ પ્લાન્ટ માટે શરૂઆતમાં રૂ.૫ હજારનો લોકફાળો ભરવા માટે પરિવારની સહમતિ ન હતી, પરંતુ સ્વચ્છ ભારત મિશનના કર્મચારી દ્વારા યોગ્ય સમજણ આપી ગોબર ગેસના ફાયદા સમજાવતા અમે લોક ફાળો ભર્યો હતો, પરિણામે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ મળતા અમારો પરિવાર ખુશખુશાલ છે.
સાથોસાથ આમારા આર્થિક અને સામાજિક પ્રવૃતિઓ માટે સમય મળી રહે છે. બાયોગેસમાં મુખ્ય ત્રણ ઘટક છે ફિલ્ટર, ડોમ ડાયજેસ્ટર અને સ્લરી ટેન્ક. પ્રથમ ઘટક બકેટ પીવીસી પાઇપ ડોમ ડાયજેસ્ટર સાથે જોડાયેલ હોય છે, જ્યાં પશુઓનું છાણ પાણી અને રસોડાનો કચરો સાથે ભળવા માટે નિયમિતપણે રેડવામાં આવે છે. તે ડાયજેસ્ટરમાં ગુરૂત્વાકર્ષણ દ્વારા એકત્રિત થાય છે. આ ઘટક પશુઓનું છાણ અને રસોડાના કચરામાંથી અનિચ્છનીય પદાર્થોને દૂર કરે છે. બીજા ઘટક ડોમ ડાયજેસ્ટરમાં, પશુના છાણની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બદલામાં બાયોગેસનું ઉત્પાદન કરે છે. તેનો ઉપયોગ રસોઈ ગેસ તરીકે થાય છે. આ ઘટક DOM આકારનું માળખું છે. જે બાયોગેસના વહન માટે નળી દ્વારા ઇન્ડક્શન સ્ટવ સાથે જોડાયેલ હોય છે.બાયોગેસના ઉત્પાદન પછી, બાકીની નક્કર સામગ્રી ડાયજેસ્ટરમાંથી ચોરસ સ્લરી ટેન્કમાં પડે છે.
જે વધેલ સામગ્રીને બહાર કાઢીને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. બાયોગેસ પ્લાન્ટ થકી લાભાર્થીઓને રસોડાની જરૂરિયાતો માટે શુદ્ધ અને સસ્તું ઈંધણ સરળતાથી ઉપલબ્ધ થઈ રહે છે. બળતણ માટે લાકડા એકત્ર કરવા જંગલમાં જવું પડતું નથી. મહિલાઓને રસોડામાં લાકડાના ધુમાડાથી છુટકારો મળે છે. પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ થવા સાથે પશુઓના છાણ દ્વારા શ્રેષ્ઠ ફળદ્રુપ ખાતર બને છે. મોંઘા રાસાયણિક ખાતર ખરીદવાની જરૂર નથી. પર્યાપ્ત ખાતર ઉત્પાદનની માત્રામાં વધારો કરે છે, જેનાથી આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમજ વધુમાં બાયોગેસ પ્લાન્ટની સ્લરી ઉત્તમ કાર્બનિક ખાતર છે. કારણ કે તે મુખ્ય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને સુક્ષ્મ પોષક તત્વોથી સમૃદ્ધ છે. સ્લરીથી જમીનની ફળદ્રપતા પણ સુધારી શકાય છે. આ પ્લાન્ટના ઇન્સ્ટોલેશન થકી સ્વચ્છતાનું પ્રમાણ પણ જળવાઇ છે. તેમજ આ પ્લાન્ટ થકી મળતા ગેસથી કોઇ પણ પ્રકારનો ધૂમાડો ન થતો હોય મહિલાઓ માટે મોટો આરોગ્ય લાભ થાય છે અને તેઓ ચૂલાના ધૂમાડાની હેરાનગતિથી મુક્ત પણ બને છે. નવસારી જિલ્લાના આ ૨૦૦ કુટુંબોએ અપનાવેલ ફ્લેક્ષી ગોબરગેસ થકી નવીનીકરણ અને સમૃદ્ધિની નવી પરિભાષા ચરિતાર્થ થઈ છે, સાથે પશુધન પર નિર્ભર ખેડૂતોની વસ્તી ધરાવતા ગામોમાં સમૃદ્ધ થવાની ક્ષમતા પણ છે, તેનું ઉતમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500