ગ્રામીણ વિસ્તારમાં વાજપેયી બેન્કેબલ યોજનાનો લાભ લઇને હજારો મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે સાથે તેમના પરિવારને પણ સમૃદ્ધિના માર્ગ લઈ જઈ રહ્યા છે. નવસારી જિલ્લાના રાનકુવા ગામના સરોજબેન પટેલ જણાવે છે કે, ‘વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોન સહાય મળતાં પશુપાલન વ્યવસાય શરૂ કર્યો અને છેલ્લા વર્ષમાં અમારી પશુપાલનની આવક વધતા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છે. સરકાર તરફથી લોનસહાયમાં ખૂબ જ ટુંકા ગાળામાં 1,25,000/- વ્યાજમાફી મળી જેનાથી અમારા પરિવારને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થયો છે. સરોજબેન પટેલ તેમના જીવનમાં પશુપાલન વ્યવસાય માટે વાજપેયી બેન્કેબલ યોજના થકી જે બદલાવ આવ્યો તે વિશે જણાવ્યું હતું કે, તેમના પતિ સંજયભાઈએ પણ ટ્રાન્સપોર્ટના વ્યવસાય માટે લોન લીધી હતી જેમાં થી બચત કરીને તેમના પતિએ બજરંગ ડેકોરેશનનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે સીઝનલ વ્યવસાય હોવાથી આર્થિક સંકટોનો સમાનો ઘણીવાર પરિવારને કરવો પડતો હતો.
સરોજબેન અને તેમના પતિ સંજયભાઈને પહેલેથી જ પશુપાલન વ્યવસાયમાં રૂચી હતી. આ ક્ષેત્રે પોતે સારી એવી કમાણી કરી શકે છે એવો તેમને આત્મવિશ્વાસ હતો પરંતુ પૈસાના અભાવે તેઓ દૂધાળા ઢોર લાવી શકતા નહોતા. આવક અને મૂડી ન હોવાથી અમારે પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે ઘણી તકલીફ પડી રહી હતી. શું કરવું કેમ કરવું કાંઇ સમજાતું ન હતુ. ત્યારે વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત દુધિયા ઢોરની ખરીદી માટે 3,30,000 લોન અમને મળી. પશુપાલન થકી ઘરનું ગાડુ ગબડાવવા માંડયુ. દુધની આવક થકી ઘરનો વ્યવહાર ધીરે ધીરે સારી રીતે ચાલવા માંડયો. આજે અમારી પાસે છ ગાયસહિત બે ભેંસ છે. તેઓ દરરોજ સવારે 30 લીટર દુધ તેમજ સાંજે 20 લીટર દુધ ડેરીએ ભરે છે. દુધની આવકમાંથી તેમના બે સંતાનો અભ્યાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે, પશુનાં છાણનો ઉપયોગ ગોબર ગેસ પ્લાન્ટ થકી બળતણ તરીકે કરે છે તેમજ વધારાનું છાણ સેન્દ્રિય ખાતર તરીકે પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે અને વધે તે વેચી દે છે જેનાથી પુરક આવક પણ મળે છે. તેઓ પશુઓની સારી રીતે માવજાત કરે છે પશુઓને નિયમિત ખોરાક, પાણી અને રસીકરણ કરાવે છે. ઋતુ પ્રમાણે પશુઓને ખોરાક પણ આપે છે. એક સમયે પશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય તરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે. નવસારી જિલ્લો પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. નવસારી જિલ્લામાં ઘરે ઘરે પશુપાલન પ્રવૃતિને ખુબ જ વેગ મળ્યો છે. આજે ગામે ગામ દુધ મંડળીઓની સ્થાપનાને કારણે આજે પશુપાલનનો વ્યવસાય ખાસ કરીને મહિલાઓ માટે આર્શિવાદરૂપ છે.
આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલન જેવા વ્યવસાયમાં સ્ત્રીઓનો સક્રિય ફાળો નજરઅંદાજ કરી શકાય એમ નથી. શ્રી વાજપાઈ બેંકેબલ યોજના લાભાર્થી શ્રીમતિ સરોજબેન પટેલની સકસેસ સ્ટોરી ખરેખર તમામ ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો હેતુ, કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાનો છે. સરોજબેન જેવા તો અનેક ગ્રામીણ મહિલાઓ પશુપાલન ઉદ્યોગ તરફ વળ્યા છે અને માનભરે આર્થિક ઉત્કર્ષ સાધી રહ્યા છે. છેવાડાના માનવીનો વિકાસ એજ ખરો વિકાસ છે. હવેના સમયમાં પશુપાલન વ્યવસાયના મૂલ્યવર્ધન થકી પણ ઘણી આવક મેળવી રહ્યા છે. જે સરકારની વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલ ઢગલાબંધ યોજનાઓને આભારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500