ભગવાન જગન્નાથની રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે. આજે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી સાથે ગુંડીચા મંદિર તરફ રથમાં જઈ રહ્યા છે. આ યાત્રા તા.01 જુલાઈથી 12 જુલાઈ સુધી ચાલશે. આ મુલાકાત દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર એટલે રથયાત્રા જે કોરોનાકાળ બાદ બે વર્ષ પછી ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. કોરોનાના કારણે આ તહેવાર બે વર્ષથી થોડા ઘણા લોકોની હાજરીમાં જ થતો હતો. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા, વિશ્વની બીજી સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.
જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા હાઇલાઇટ્સ
પોલીસ કમિશ્નર દ્વારા પરવાનગી અપાતાં રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર જ ફરશે
અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો
18 ભજન મંડળીઓ
ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી 101 ટ્રકો
અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા
3 બેન્ડવાજાવાળા
ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ આવે એટલે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. આ જમણવારમાં પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડી હોય છે, જેમાં બે લાખથી વધુ ભક્તો આ લ્હાવો માણે છે. સરસપપુરમાં કુલ 15 રસોડામાં આ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યા છે.
લીમડા પોળ, મોટી સાળવી વાડ, તળિયાની પોળ, કડીયા વાડ, ગાંધીની પોળ, વડવાળો વાસ, આંબલી વાડ, ઠાકોર વાસ, પીપળા પોળ, લુહાર શેરીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.
તેમજ મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.
જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે, જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી, સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે આ અવસરે મહંતશ્રી દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500