સુરત સ્થાનિક પ્રશાસને કોરોનાની બીજી લહેર સામે ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ૩-ટી ના મંત્ર સાથે કરેલી આરોગ્ય કામગીરીના કારણે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ અનેક દર્દીઓ સારવાર લઈ કોરોનાને મ્હાત આપવામાં સફળ થઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં ૫૩ દિવસની લાંબી સારવાર બાદ બારડોલીના ઉમરાખ ગામના અને કોમ્પ્યુટર પર ડાયમંડ વર્કનું કામ કરતાં ૩૦ વર્ષીય આકાશ અશોકભાઈ પટેલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
હૃદયમાં પાણી ભરાઈ ગયું હતું અને ફેફસામાં ૭૦ થી ૭૫ ટકા કોરોનાનું સંક્રમણ છતાં લાંબી લડતના અંતે કોરોનાને હરાવ્યો
આકાશ પટેલ જણાવે છે કે, ‘તા.૬ એપ્રિલના રોજ ખાંસી,શરદી, તાવ અને શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા પરિવારના સભ્યોએ મને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કર્યો. જયાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો અને મને ફેફસામાં ૭૦ થી ૭૫ ટકા કોરોનાનું સંક્રમણ હતું. ડર હતો કે બચી શકીશ કે કેમ?. કોરોના સંક્રમણને લીધે હૃદયમાં પાણી ભરાઇ ગયું હતું. ઓક્સિજન લેવલ ૮૦ થી ૮૫ ટકા હતું. જેના કારણે ૬ દિવસ સુધી બાયપેપ પર તથા તા.૧૧ મી એપ્રિલ બાદ તબિયતમાં સુધારો જણાતા ૧૫ લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. ધીરે ધીરે તબિયતમાં સુધારો આવતો ગયો. તા.૨૬ મેના રોજ મને નોર્મલ રૂમ એર પર રાખવામાં આવ્યા ત્યારબાદ તા.૨૮ મેના રોજ મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છે. પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. હું ૫૩ દિવસની સારવાર બાદ બાળકો અને પત્નીને પુન: મળી શક્યો છું, અને મારો પરિવાર પણ હું સંપૂર્ણ સ્વસ્થ થયો એ માટે અનહદ આનંદિત છે.
વધુમાં કોરોનામુકત થયેલા આકાશ પટેલ કહે છે કે,’હું સ્મીમેર હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમનો બે હાથ જોડી આભાર વ્યક્ત કરૂ છું. કારણ કે એમણે મને જીવનદાન આપ્યું છે. તેમણે સારવાર દરમિયાન કરેલા પ્રયત્નોને હું ક્યારેય ભૂલી શકીશ નહી. તબીબી સ્ટાફ મારા માટે ભગવાનથી ઓછા નથી. હું જીવનભર એમનો કૃતજ્ઞ છું.’
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500