બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ગતરોજ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બારડોલી તાલુકામાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નગરમાં ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત તાલુકામાં ત્રણ જેટલા આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે ગતરોજ વહેલી સવારથી જ બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બારડોલીમાં દિવસ દરમિયાન સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 132 મી.મી. એટલે કે સવા પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો.
ભારે વરસાદને પગલે બારડોલી નગરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નગરનાં આશાપુરા મંદિર વિસ્તાર, શામરીયા મોરા, એમ.એન. પાર્ક, ડી.એમ. પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. આ ઉપરાંત બારડોલી-કડોદ રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટી, માનસરોવર સોસાયટી તેમજ મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
જોકે સુગર ફેકટરી નજીક આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કેટલાક આંતરિક માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા.
બારડોલી શહેર સહિત વિસ્તારમાં પણ આખો દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે શેરડી રોપી શરૂ કરનાર ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ ખેડૂતોએ શેરડી રોપણીનું કાર્ય અટકવું પડયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જેમણે શેરડી ગોપી દીધી છે તેવા ખેડૂતોને સતત વરસાદ વરસતો રહે તો મોટુ નુક્સાન જવાની સંભાવના છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેવાથી શેરડી યોગ્ય રીતે ઉગી શકતી નથી જેથી તેના ઉત્પાદનમાં પણ અસર જોવા મળે છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં ખેડૂતો શેરડી રોપવાની શરૂ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે પાછોતરો વરસાદ સપ્ટેમ્બર માસ સુધી અને અમુક વખત તો ઓક્ટોબરની શરૂઆત સુધી વરસતો હોય છે. આથી શેરડી રોકતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે સુગર ફેક્ટરી ફેડરેશન શેરડી રોપણી ઓક્ટોબરથી શરૂઆત કરાવે તો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના રહેલી છે.
વધુમાં બારડોલી તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ત્રણ જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બારડોલી-વ્યારા મુખ્ય હાઈવેથી ઉતારા વધાવા જતા ચીક ખાડીના પુલ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
જેને કારણે સ્થાનિકોએ તાલુકા મથક સુધી પહોંચવા માટે લાંબો ચકરાવો પડે છે. આ ઉપરાંત હાઈવેથી જૂની કિકવાડના ગભેણી ફળિયાને જોડતો રસ્તો તેમજ સુરાલી થી ધારીયા ઓવારા જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500