બારડોલીની ખોડિયાર નગર સોસાયટીમાં 31 વર્ષીય સોફ્ટવેર એન્જીનિયરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ જાણી શકાયુ નથી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના ગાંધી રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીના ઘર નંબર-228માં રહેતો નકુલ સંજય દેસાઈ (ઉ.વ.31) એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો અને હાલ કોરોના મહામારીને કારણે તે ઘણા સમયથી વર્ક ફ્રોમ હોમ કરતો હતો. ઘરમાં તેની સાથે નાનો ભાઈ રહેતો હતો જે માનસિક રીતે અસ્થિર હતો. બંને ભાઈઓમાંથી કોઈ ટિફિન લેવા માટે નહીં જતા તેમના પિતાના મિત્ર ઘરે જોવા માટે ગયા હતા તો ઘરમાં નકુલનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. જ્યારે નાનો ભાઈ ઘરમાં જોવા મળ્યો ન હતો.
ઘટના અંગે સંબંધી રાકેશ ધિમંતરાય દેસાઈએ પોલીસને જાણ કરતા બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ઉતારી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
માતાએ પણ આ જ રીતે કરી હતી આત્મહત્યા
મૃતક નકુલની માતાએ પણ વર્ષો અગાઉ આ જ ઘરમાં આ જ રીતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત તેના પિતાનું પણ બીમારીને કારણે થોડા સમય અગાઉ નિધન થતા બંને ભાઈઓ એકલા રહેતા હતા. જેમાં એક ભાઈની માનસિક હાલત ઠીક ન હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500