Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Fraud : રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 12.46 લાખની છેતરપીંડી કરનાર 6 સામે ગુનો દાખલ

  • May 19, 2022 

બારડોલી નગરમાં સાત માસ પહેલા R.E.Gold નામની વેબસાઈટ પર નામ રજિસ્ટ્રેશન કરાવીને રૂપિયા રોકાણ કરવાની સ્કીમ આપી 6 ઈસમોએ એકબીજાની મદદગારીમાં નગરના બે યુવકોને રૂપિયા વધારે મળવાની લાલચ આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈ કુલ 12.46 લાખનું રોકાણ કરાવ્યું હતું. જેમાં 90 થી 120 દિવસમાં વધુ રૂપિયા મળવા જણાવ્યું હતું. પરંતુ સમય અવધિ પુરી થવા છતાં કોઈ રૂપિયા નહિ આપી, ભરેલી મુદ્દલ રકમ પણ નહીં આપી બે યુવકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીની વૃંદાવન સોસાયટીમાં રહેતા પરેશભાઇ મગનલાલ ચૌહાણ સાતેક મહીના પહેલા વર્ષ-2021માં જુલાઇ મહીનામાં મિત્ર કિશોરભાઇ સોની (રહે.બારડોલી) જણાવેલ કે, બારડોલી ખાતે જલ્પાબેન અને વિપુલભાઇએ શિવશક્તિ નામે R.E.GOLD નામક કંપનીની ફ્રેન્ચાસી લીધેલ છે અને બારડોલીના ઘણા લોકો તેમાં રોકાણ કરે છે અને પોતે પણ રોકાણ કરેલ છે.



જયારે શાસ્ત્રીરોડ પર આવેલ માર્વેલ શોપર્સ એપાર્ટમેન્ટના પહેલા માળે બ્રાન્ચ ઓફિસ છે જેથી મિત્ર સાથે ઓફિસે ગયા હતા ત્યા જલ્પાબેન તથા વિપુલભાઈ શાહ હાજર હતા. તેઓએ અમોને R.E.GOLDના પ્લાન વિશે વિગતવાર સમજણ આપી હતી. આ સ્કિમમા એક આઈ.ડી.ખોલવાના 2400 રૂપિયા છે તેમજ એક સાથે અગિયાર આઈ.ડી.ના રૂપિયા 26,400/- ભરો તો, 90 થી 120 દિવસમાં 80,000 રૂપિયા મળશે. જેથી તા.24/07/2021ના રોજ મોબાઈલમાં R.E.GOLDની વેબસાઈટનું રજીસ્ટ્રેશન કરાવેલ અને અગિયાર આઈ.ડી.ના રૂપિયા 26,400/- રોકડા આપ્યાં હતા.



ત્યારબાદ બીજી 6 આઈ.ડી.જનરેટ કરી 1,30,500 રૂપિયા ગુગલ પે તથા રોકડેથી ઓફિસે ચુકવ્યા હતા. ત્યારબાદ સુરત ખાતે ઓફિસ ગયા હતા. જયારે કંપનીના એમ.ડી. આકાશ અજયભાઇ કટેરીયા તથા સી.એમ.ડી. અજયભાઈ ચીરજીલાલ તેમજ સી.એમ.ડી, સર્વેશબેન અજયભાઈ કઠેરીયાએ રોકાણનો પ્લાન સમજાવ્યો હતો. જેમાં રૂપિયા 26,400/- અને રૂપિયા 38,500/-ની સ્કીમ સમજાવી હતી અને એક સાથે 61 આઇ.ડી. ખોલાવશો તો તમને ડાયમંડ રોયલ્ટી પેકજ વાળી સ્કિમ મળશે. તેના માટે તમારે એક સાથે રૂપિયા 1,55,000 રૂપીયા ભરવા ૫ડશે અને ત્રણ મહિના બાદ 4,80,000 મળશે.



જેથી આ સ્કિમમાં આઈ.ડી.ખોલાવવા વાળા બીજા ગ્રાહકો લાવશો અને એક સાથે અગિયાર નવી આઇ.ડી.ખોલાવતા રૂપિયા 5,700 કમિશન મળશે. જેટલી વધારે આઈ.ડી.ખોલાવશો, તો, 5 લાખ સુધીની બીજી રકમ મળવાની લલચામણી અને લોભામણી સ્કીમ સમજાવી રૂપીયાનુ રોકાણ કરવાની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જેથી બારડોલીમાં R.E.GOLD કંપનીની ઓફિસે જઈ અન્ય મિત્રોની 13 જેટલી આઇ.ડી. રૂપિયા 3,43,200/-નું રોકાણ રોકડેથી જમા કરાવ્યા હતા અને કુલ 20 આઇ.ડી.ના રૂપીયા 5,40,100/-નું રોકાણ કર્યું હતું.



જ્યારે મિત્ર કિશોરભાઈ ઈન્દ્રવદન સોનીએ પણ રૂપિયા 26,400 તથા રૂપિયા 38,500/-ની કુલ-24 આઈ.ડી.માં રૂપિયા 7,06,200 રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમ, પરેશ ચૌહાણ અને મિત્ર કિશોર સોનીના કુલ 44 આઈ.ડી.નાં રૂપિયા 12,46,300/-નું રોકાણ કરાવ્યા બાદ સ્કીમ મુજબ 3 મહિનામાં રૂપીયા પરત નહી આપી, મુદ્દલ કે તેનું વળતર પણ નહી ચુકવી 6 ઈસમોએ એકબીજાની મદદગારીમાં બંને યુવકો સાથે વિશ્વાસઘાત છેતપિંડી કરી હતી. બનાવ અંગે બારડોલી ટાઉન પોલીસમાં પરેશભાઈ ચૌહાણે ફરિયાદ આપતા 6 સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application