છેલ્લા ૩૧ વર્ષોની ગણેશ સ્થાપનાની પરંપરાને કાયમ રાખી આ વર્ષે પણ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રંગે ચંગે ગણેશજીની પૂજા અર્ચના કરાઇ હતી. સર્વધર્મ સમભાવનાની આદર્શ ભાવના સાથે દરેક ધર્મ અને સંપ્રદાયોના તબીબો, નર્સિંગ એસોસિયેશનના અધિકારીગણ તેમજ અન્ય સ્ટાફે સાથે મળી સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ખાતે બપ્પાની મહાઆરતી અને સત્યનારાયણ કથામાં ભાગ લીધો હતો. સિવિલ હોસ્પિટલની નર્સિંગ અને મેડિકલ કોલેજ, રેડિયોલોજી તેમજ બાળકોનો વિભાગ, મેડિકલ વોર્ડ, ઓપરેશન થિયેટર અને હાડકાના વિભાગ સહિત કુલ 9 જગ્યાએ સ્થાપિત ગણેશજીની જે તે વિભાગના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે નર્સિંગ એસોસિયેશનના ઇકબાલ કડીવાલાએ જણાવ્યુ હતું કે, છેલ્લા 3 દાયકાથી અમે કોઈ પણ ધર્મ-જાતિના ભેદ વિના ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરી છીએ. જેથી અહીં ઈલાજ માટે આવતા દર્દીઓના વિઘ્નો દૂર થઈ તેઓ જલ્દીથી સાજા થઈ શકે. દર્દીઓનાં ચહેરા પર સ્મિત લાવવા અને તેમના દુખ દર્દને હળવા કરવા સિવિલ હોસ્પિટલ ખાતે દરેક તહેવારોની ઉજવણી થતી હોય છે. તે જ પ્રમાણે દર વર્ષે અલગ અલગ થીમ સાથે અહીં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે જાગૃતતા ફેલાવવા માટે ‘અંગ દાન એ જ મહા દાન’ની થીમ આધારિત ઉજવણી થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500