ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ દરરોજ વધુ વકરી રહ્યો છે. બંને દેશે એકબીજાના રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યા પછી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. જોકે, હવે ભારતે ગુરૂવારથી કેનેડા સામે આકરૂ વલણ અપનાવતાં કેનેડિયન નાગરિકોના ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને વિઝા કામગીરી બંધ કરી દીધી છે. જોકે, ભારતે આ માટે કેનેડામાં ભારતીય મિશનના કર્મચારીઓની સુરક્ષાનું કારણ આગળ ધરીને કામચલાઉ રીતે કેનેડામાં વીઝા અરજી કેન્દ્રોની સેવાઓ બંધ કરી હોવાનું જણાવ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારે કેનેડાને નવી દિલ્હીમાં તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા પણ કહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે ભારત સરકાર પર કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આક્ષેપ મૂક્યા પછી આ સમગ્ર વિવાદ શરૂ થયો છે. કેનેડામાં ગુરૂવારે ભારત તરફથી વિઝા અરજીઓનું કામ સંભાળતી બીએલએસ ઈન્ડિયાએ તેની વેબસાઈટ પર એક નોટિસ મુકીને હાલ કેનેડાના નાગરિકો માટે 'ઓપરેશનલ કારણો'થી ભારતની વિઝા અરજી માટેનું કામ બંધ કર્યું હોવાનું જણાવ્યું હતું.
જોકે, ખાનગી કંપનીએ બપોર સુધીમાં આ નોટિસ પાછી ખેંચી લીધી હતી. ખાનગી કંપની બીએલએસ ઈન્ટરનેશનલે તેના સ્ટોક એક્સચેન્જને પણ માહિતી આપી દીધી છે કે તેણે તાત્કાલિક અસરથી કેનેડામાં ભારતની વિઝા સેવા બંધ કરી દીધી છે. આ નોંધ કંપનીની વેબસાઈટના કેનેડા પેજ પર પહેલાં મૂકાઈ, પછી હટાવી લેવાઈ અને પાછળથી ફરી મુકાઈ હતી. ખાનગી કંપનીએ નોટિસમાં કહ્યું હતું, 'ભારતીય મિશન તરફથી મહત્વની નોટિસ. ઓપરેશનલ કારણોથી 21 સપ્ટેમ્બર 2023ના રોજ તાત્કાલિક અસરથી વધુ નોટિસ આવે ત્યાં સુધી ભારતીય વિઝા સેવા રદ કરવામાં આવે છે. વધુ માહિતી માટે બીએલએસની વેબસાઈટ ચેક કરતા રહેવી. જોકે કેનેડાના નાગરિકો માટે વિઝા મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાતાં વિદેશ મંત્રાલયે આ બાબતની પુષ્ટી કરી હતી. જોકે વિદેશ મંત્રાલયે સુરક્ષાના કારણોસર આગામી આદેશ સુધી વિઝા કામગીરી બંધ કરાઈ હોવાનું જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, વર્તમાન વિવાદના પગલે કેનેડામાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને ધમકીઓ મળી રહી છે.
તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં દૂતાવાસની કામગીરી પર અસર પડી છે. આ કારણોથી હાલ વિઝા કામગીરી બંધ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કેનેડાને નવી દિલ્હીમાં તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ જણાવી દેવાયું છે. આપણી પારસ્પરિક રાજદ્વારી હાજરીમાં સમાનતા હોવી જોઈએ. ભારતમાં તેમના રાજદૂતોની સંખ્યા વધુ છે. કેનેડાએ તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવી જોઈએ અને કેન્દ્ર સરકારે આ અંગે કેનેડાને સૂચના આપી દીધી છે. કેનેડાએ પણ તેના રાજદ્વારીઓને પાછા બોલાવવાની તૈયારી કરી છે. જોકે કેનેડાએ જણાવ્યું હતું કે, 'વર્તમાન પરિસ્થિતિમાં અમે રાજદ્વારીઓની સુરક્ષા મુદ્દે તેમને પાછા બોલાવી રહ્યા છીએ. કેટલાક રાજદૂતોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળી રહી છે. હાલ અમે ભારતમાં અમારા વર્તમાન કર્મચારીઓની સુરક્ષાનું આકલન કરી રહ્યા છીએ અને તકેદારીના ભાગરૂપે કામચલાઉ ધોરણે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છીએ. જોકે, કેનેડા વિઝા કામગીરી ચાલુ રાખશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતે વિઝા કામગીરી બંધ કરવાથી વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં પડે.
અમને આશા છે કે, કેનેડા વિયેના સમેલનના સિદ્ધાંતોનો અમલ કરશે અને ભારતીય નાગરિકો તથા રાજદ્વારીઓને પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડશે. તેઓ ભારતીય નાગરિક છે. કેનેડામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડે તો તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. જોકે, તેમણે સાવધ રહેવાની જરૂર છે. સરકારે આ અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. કેનેડામાં ભારતના વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા વધારવા મુદ્દે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમારું માનવું છે કે સુરક્ષા પૂરી પાડવી એ યજમાન સરકારની જવાબદારી છે. કેટલીક જગ્યાઓ પર અમારી પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ છે, પરંતુ આ અંગે જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી. ભારત અને કેનેડા વચ્ચે ચાલતો તણાવ ગુરુવારે વધુ તળીયે પહોંચ્યો છે. ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા બંધ કર્યા પછી વિદેશ મંત્રાલયે દુનિયામાં પાકિસ્તાન પછી હવે કેનેડા પર આતંકીઓને આશરો આપવાનો આક્ષેપ કર્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો G-20 બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી સમક્ષ ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો.
આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, કેનેડિયન પીએમ ટ્રુડોએ વડાપ્રધાન મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેને પીએમ મોદીએ ફગાવી દીધો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જસ્ટિન ટ્રુડોના આક્ષેપો પૂર્વગ્રહ અને રાજકારણ પ્રેરિત છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા સંબંધે કેનેડા તરફથી G-20 પહેલાં કે ત્યાર પછી કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી. કોઈપણ વિશેષ માહિતી આપવામાં આવશે તો અમે ધ્યાન આપીશું, પરંતુ હજુ સુધી અમને કશું જ જણાવાયું નથી. બાગચીએ ઉમેર્યું હતું કે, અમે કેનેડાની ધરતી પર ગુનાઈત ઘટનાઓના પુરાવા તેમને આપ્યા છે. ભારતમાં વોન્ટેડ આતંકીઓને કેનેડામાં સુરક્ષિત આશરો આપવામાં આવી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે કેનેડા સરકાર આવું ના કરે અને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે, જેમની સામે આતંકવાદના આરોપો છે. તેમના પ્રત્યાર્પણમાં અમને મદદ કરે. અમે છેલ્લા કેટલાક વર્ષોથી 20-25થી વધુ લોકોના પ્રત્યાર્પણ અથવા કાર્યવાહી માટે કેનેડા સરકારને વિનંતી કરી છે, પરંતુ તેમના તરફથી કોઈ સહકાર કે મદદ નથી મળી રહી.
નિજ્જરની હત્યા મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી સામે સવાલ ઉભા થયા હોવાના સવાલોના જવાબમાં બાગચીએ કહ્યું કે તમે પ્રતિષ્ઠિત મુદ્દા અને પ્રતિષ્ઠાને નુકસાનની વાત કરી રહ્યા હોવ તો હકીકતમાં આ બાબતે કેનેડાએ તેની આંતરરાષ્ટ્રીય છબીની ચિંતા કરવાની જરૂર છે. દુનિયામાં પાકિસ્તાન પછી હવે કેનેડા આતંકીઓ માટેનું આશ્રય સ્થળ બની રહ્યું છે. આતંકીઓ, કટ્ટરવાદીઓ અને સંગઠિત ગૂનેગારો માટે એક સુરક્ષિત સ્થળ તરીકે તેની પ્રતિષ્ઠા વધી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારને વિનંતી કરતાં જણાવ્યું હતું કે તેઓ ખાલિસ્તાની નેતાની હત્યા થઈ તેની તપાસ માટેની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવામાં તેમને મદદ કરે. તેમની સાથે કામ કરે. તેમની પાસેના ઉપલબ્ધ વિશ્વસનીય પુરાવાને ગંભીરતાપૂર્વક લેવા જોઈએ. અમે ભારત સરકારને આ મુદ્દો ગંભીર રીતે જોવા કહીએ છીએ અને સંપૂર્ણ પારદર્શકતા અને જવાબદેહિતા સાથે તેના પર કામ કરીશું તેમ જણાવીએ છીએ.
તેમણે ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે રાજકીય વિવાદના પગલે પૂછાયેલા સવાલોના જવાબમાં આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારો દેશ નિયમ પ્રણાલિ મુજબ ચાલે છે અને તેને અનુસરીને જ કરવું પડે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકી નિજ્જર સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આક્ષેપ કર્યા પછી હવે આ અંગેના સવાલોથી ભાગી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો મંગળવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પહોંચ્યા હતા. અહીં ભારતીય મહિલા પત્રકાર યોશિતા સિંહે તેમને ખાલિસ્તાન અને તેમના આરોપોને ભારત સરકારે નકારી કાઢ્યા હોવા અંગે સવાલ કર્યો તો ટ્રુડો તેમને કોઈપણ જવાબ આપ્યા વિના નીકળી ગયા હતા. એટલું જ નહીં ટ્રુડોને આ અંગે યોશિતા સિંહે તેમને યુએન બેઠકમાંથી પાછા ફર્યા પછી ફરી સવાલ કર્યો ત્યારે પણ તેઓ કોઈપણ જવાબ આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On ApplicationIPS નીરજા ગોટરૂની GPSCનાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ
November 28, 2024બાંગ્લાદેશમાં હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો
November 28, 2024