Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેન્ક ઓફ બરોડાનું અન્ય બે બેન્કો સાથે મર્જર થયા બાદ ચાર વર્ષમાં 10 હજારથી વધુ કર્મચારીઓની છટણી

  • May 29, 2022 

બેન્કિંગ ક્ષેત્રમાં મર્જર બાદ કર્મચારીઓ ઉપર તવાઇ આવશે એવો યુનિયનોએ જે તે સમયે વ્યક્ત કરેલો ડર સાચો પડી રહ્યો હોય એવુ લાગી રહ્યું છે. બેન્ક ઓફ બરોડાનું અન્ય બે બેન્કો સાથે મર્જર થયા બાદ ચાર વર્ષમાં 10 હજારથી વધુ કર્મચારીઓની છટણી થઇ હોવાનો અને નવી ભરતીઓ ઉપર રોક લગાવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો યુનિયન લીડરો દ્વારા કરવામાં આવી રહ્યા છે.




બેન્ક ઓફ બરોડા-વડોદરા ઝોનના યુનિયન લીડર મગનભાઇ પટેલનું કહેવું છે કે, એપ્રિલ 2018માં દેના બેન્ક અને વિજયા બેન્કનું બેન્ક ઓફ બરોડા સાથે મર્જર થયુ હતું તે સમયે બેન્કના કુલ કાયમી કર્મચારીઓની સંખ્યા 88 હજાર હતી. છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા ઘટીને 78 હજાર થઇ ગઇ છે એટલે કે 10 હજાર કર્મચારીઓની ઘટ સર્જાઇ છે.




બેન્ક ઓફ બરોડાનાં મેનેજમેન્ટના કોમ્યુટરાઇઝેશન અભિગમના કારણે આ 10 હજાર કર્મચારીઓએ નોકરી ગુમાવી છે હજુ પણ સ્ટાફ ઘટાડવા માટેની યોજનાઓ ચાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી નવી ભરતી પણ કરવામાં નથી. જેના કારણે ઇન્ટર ઝોનલ અને ઇન્ટર રિજનલ  ટ્રાન્સફર પણ અટકી પડી છે. કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધી ગયુ છે, રજાઓ મળતી નથી, ઓવર ટાઇમ કરવો પડે છે. આ ઉપરાંત લાંબા સમયથી કામ કરતા હંગામી કર્મચારીઓને પણ કાયમી કરવામાં મેનેજમેન્ટનું વલણ અક્કડ છે.





બેન્ક ઓફ બરોડામાં કામ કરતા કર્મચારીઓ નિવૃત્તિ પહેલા જો આકસ્મિક મૃત્યુ પામે અથવા તો કોરોના જેવી મહામારીમાં મૃત્યુ પામે તો તેના વારસદારને માનવતાના ધોરણે નોકરી આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં બેન્ક ઓફ બરોડામાં આવી 250 અરજીઓ પેન્ડિંગ છે. આ 250 અરજીમાંથી અત્યાર સુધીમાં માંડ 30 થી 40 લાભાર્થીઓને નોકરી આપવામાં આવી છે બાકીની અરજીઓ કોઇના કોઇ કારણથી નકારી દેવામા આવી છે. એવુ યુનિયન લિડરનું કહેવુ છે.





બેન્ક ઓફ બરોડાની 'આઉટ સોર્સિંગ નીતિ'નો યુનિયન દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. બેન્ક ઓફ બરોડાના 18 ઝોન અને બે એડમિનિસ્ટ્રેશન ઓફિસ અંતર્ગત આવતા 120 રિજનમા 8 હજાર સફાઇ કામદારોની કાયમી ભરતી કરવાના બદલે તાજેતરમાં બેન્ક મેનેજમેન્ટ દ્વારા આઉટ સોર્સિંગથી ભરતી કરવાનો નિર્ણય લેવાયો. યુનિયનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છતાં પણ બેન્ક પોતાની નીતિ પર કાયમ રહી અને વડોદરા અને જયપુર ઝોનમા તો કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો એટલે યુનિયનોએ આખરે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ.




જે બાદ બેન્ક મેનેજમેન્ટનું વલણ કુણું પડયુ અને ભારત સરકારના ડેપ્યુટી ચીફ લેબર કમિશનર-મુંબઇ સાથે યુનિયન તથા બેન્ક મેનેજમેન્ટની બેઠક મળી હતી જેમાં યુનિયને બેન્ક ઓફ બરોડાની આઉટ સોર્સિગ નીતિને કાયમી નોકરી પર હૂમલા સમાન ગણાવી હતી. જોકે મેનેજમેન્ટ દ્વારા 8 હજાર સફાઇ કામદારોના આઉટ સોર્સ કોન્ટ્રાક્ટ પર હાલમાં રોક લગાવી દેતા યુનિયનોએ પણ હડતાલ મોકુફ રાખી છે અને મેનેજમેન્ટને આઉટ સોર્સિંગ નીતિ પર પુનઃ વિચાર કરવા 45 દિવસનો સમય આપ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application