પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં જોબવર્કનું ખાતું ધરાવતા વેપારીને બેંગ્લોરના ગઠિયાઓ ભેટી ગયા હતા. ઍક વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે ડાઈંગ ફેબ્રિક કાપડમાં જોબવર્કનું કામ કરાવી કુલ ૧૫.૨૦ લાખ રૂપિયાની રકમ બાકી રાખી હતી. આ રકમની ઉઘરાણી કરવા છતાં બાદમાં પૈસા નહિ આપી વેપારી સાથે ઠગાઇ કરી હતી. જેથી આખરે ભોગ બનેલા વેપારીને પોતાની સાથે ઠગાઇની જાણ થતા તેઓઍ બ્રાન્ડ સ્ટુડીયો લાઇફ સ્ટાઇલ પ્રા.લી કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સહીત કુલ આઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત ઍવી છે કે પાંડેસરા બામરોલી ગામ હળપતિવાસમાં રહેતા ૩૩ વર્ષીય મેહુલ કાંતિલાલ પટેલ પાંડેસરા જી.આઇ.ડી.સી સેન્ટ્રલપાર્ક ખાતે કાપડમાં ફોઇલ પ્રિન્ટિંગ અને વેલ્યુ ઍડિશન કરવાનું ખાતું ધરાવે છે. ઍક વર્ષ અગાઉ બેંગ્લોરની બ્રાન્ડ સ્ટુડીયો લાઇફ સ્ટાઇલ પ્રા.લી કંપની મેનેજર ગુલાબ ખાંડા અને આસી.મેનેજર સિધ્ધાર્થ દ્રિવેદી તેમના સંપર્કમાં આવ્યા હતા. તેઓઍ કંપનીના ડિરેક્ટરો સાથે વાતો કરાવી ડાઈંગ ફેબ્રિક કાપડમાં ફોઇલ પ્રિન્ટીંગ અને વેલ્યુ ઍડસીનનું કામ કરવાની વાતો કરી ગત તારીખ ૧૭/૮/૨૦૨૦થી ૧૯/૭/૨૦૨૧ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે કુલ ૧૫.૨૦ લાખનું જોબવર્કનું કામ કરાવી માલ ટ્રાન્સપોર્ટ મારફતે બેંગ્લોર મંગાવી લીધો હતો.
આ માલ બેંગ્લોર મંગાવી લીધા બાદ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં શરુ કર્યા હતા. મેહુલે અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં આખરે ઍકપણ રૂપિયો ન આપી તેની સાથે ઠગાઇ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર મેહુલે ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બ્રાન્ડ સ્ટુડીયો લાઇફ સ્ટાઇલ પ્રા.લી કંપનીના ગુલામ ખાંડા, સિધ્ધાર્થ દ્રિવેદી, રોહીત જયસ્વાલ, મ્રીન્મય ઘોશ, અનન્ત ટંડેલ અને સંજય દાલમીયા સામે ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500