ભારતમાં ફુગાવો વધવાની અસર હવે ગરીબ માણસ પર પડવાની શરૂ થઇ છે. મુંબઇમાં ગરીબોની રોટી ગણાતાં પાંઉ તથા બેકરી ઉત્પાદનોનાં ભાવ વધવા માંડયા છે. બેકરીમાં જે લાદી પાંઉ બે રૂપિયાના ભાવે મળતાં હતા તે હવે ત્રણ અને સાડા ત્રણ રૂપિયાનાં ભાવે મળતાં એ જ રીતે ખારી બિસ્કિટ અને ટોસ્ટનાં ભાવોમાં પણ બેકરીવાળાઓએ વધારો કરી નાંખ્યો છે.
પરંતુ મોટી કંપનીઓએ તેમના ઉત્પાદનોનાં ભાવ વધાર્યા ન હોવાથી બેકરીના ગ્રાહકોને છેતરાયા હોવાની લાગણી થઇ રહી છે. જે ટોસ્ટ 140 રૂપિયા કિલોનાં ભાવે મળતાં હતા તે હવે બેકરીમાં 200 રૂપિયાનાં ભાવે મળવા માંડયા છે. એ જ રીતે ખારી બિસ્કીટનો ભાવ પણ કિલોનાં અઢીસો રૂપિયા સુધી પહોંચી ગયો છે. એક બેકરી માલિકે જણાવ્યું હતું કે, બેકરી ઉત્પાદનોમાં વપરાતી કાચી સામગ્રીથી માંડી મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનાં ખર્ચમાં વધારો થવાને કારણે અમારે ના છૂટકે અમારા ઉત્પાદનોના ભાવ વધારવા પડયા છે.
મેંદાના ભાવ, ખાદ્ય તેલનાં ભાવ, કમર્શિયલ ગેસનાં સિલિન્ડરનાં ભાવ અને કારીગરોની મજૂરીમાં પણ વધારો થયો હોવાથી બેકરીનાં ઉત્પાદનો મોંઘા થઇ રહ્યા છે. અલબત્ત દરેક ગલીની એક આગવી બેકરી હોઇ ત્યાં ભાવ વધારાની અસર જોવા મળતી નથી. પણ મોટા બેકરી ઉત્પાદકો ભાવ વધારે એટલે આ દરેક ગલીના બેકરીવાળા પણ તેમના ઉત્પાદનોના ભાવ વધારી નાંખે છે. ઘણી બેકરીઓએ મોંઘવારી વધી ગઇ હોવાથી પાંઉના ભાવ વધારવાને બદલે પાંઉનું કદ ઘટાડી ભાવ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો છે.
સામાન્ય રીતે બે રૂપિયાનું એક મળતાં લાદી પાંઉના ભાવ હવે સારી બેકરીઓમાં ત્રણ રૂપિયા અને કંપનીઓના ઉત્પાદનોમાં સાડા ત્રણ રૂપિયા થઇ ગયા છે. જો પાંઉના ભાવમાં સાર્વત્રિક વધારો થાય તો વડાપાંઉના ભાવમાં પણ વધારો થાય તેમ છે. કોરોના બાદ મોટા ભાગના વિખ્યાત વડાપાંઉની કિંમત પંદર રૂપિયા વસૂલવામાં આવે છે. બ્રેડના ભાવો જાન્યુઆરી અને જુનમાં એમ બે વાર વધારવામાં આવ્યા હતા તેને પગલે બેકરી ઉત્પાદનોના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જે બિસ્કિટો 240 રૂપિયે કિલો વેચાતા હતા તે હવે 260થી 280 રૂપિયે કિલોનાં ભાવે વેચાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500