સુરતના ઓલપાડમાં અગાઉ ટેક્સટાઈલ ફેક્ટરી ધરાવતા અને હાલ ટેક્સટાઇલ ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી કરતા મૂળ અમરેલીના યુવાનની હોમલોન અને મોર્ગેજ લોન સેટલ કરવાના બહાને બજાજ ફાયનાન્સના કલેક્શન મેનેજરે રૂ.16.20 લાખ પડાવી પોતાના નવા ફ્લેટના ઈન્સ્ટોલમેન્ટમાં ભરી ઠગાઈ આચરતા ઉત્રાણ પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાજીયાવદરના વતની અને સુરતમાં મોટાવરાછા લજામણી રોડ ગોપીનાથ સોસાયટી ઘર નં.બી/160 માં રહેતા 49 વર્ષીય મહેશભાઇ રમેશભાઇ સાવલીયાએ આ મકાન 13 વર્ષ અગાઉ પત્ની અનસુયાબેનના નામે ખરીદ્યું હતું.અગાઉ ઓલપાડમાં ટેક્સટાઈલ ફેક્ટરી ધરાવતા મહેશભાઈ ઉપર ચાર વર્ષ અગાઉ બજાજ ફાયનાન્સ કંપનીમાંથી ઓછા વ્યાજે હોમલોન તેમણે અડાજણ મધુવન સર્કલ સ્થિત કંપનીની ઓફિસે જઈ રૂ.6.67 લાખની હોમલોન અને રૂ.46,44,695 ની મોર્ગેજ લોન લીધી હતી.જૂન 2020 માં લોન શરૂ થયા બાદ તેમણે એક વર્ષ સુધી હપ્તા સમયસર ભર્યા હતા.
જોકે, ત્યાર બાદ કોરોનાને લીધે ધંધામાં નુકશાન થતાં સ્થિતી બગડતા હપ્તા ભરવામાં સમસ્યા સર્જાઈ હતી.આથી દોઢ વર્ષ અગાઉ બજાજ ફાયનાન્સ કંપનીનો કલેક્શન મેનેજર ભદ્રેશ લીલાધર પરમાર ( રહે.કે/144, રાજહંસ સીમફોનીયા, વી.આઇ.પી.રોડ, વેસુ, સુરત ) તેમના ઘરે આવ્યો હતો અને લોનના હપ્તા સમયસર નહીં ભરવાનું કારણ પૂછતાં મહેશભાઈએ તમામ હકીકત જણાવી હતી.આથી ભદ્રેશે પોતાની કંપનીના સાહેબો સાથે સારી ઓળખાણ છે, તમારી લોન સેટલ કરાવી આપીશ, તમને રૂ.4 થી 5 લાખનો ફાયદો થશે તેમ કહી લોનના 30 ટકા રોકડા ભરવાનું કહી તેમની પાસેથી રૂ.16.20 લાખ ઘરે આવી લીધા હતા અને રસીદ પણ આપી હતી.જોકે, પૈસા લીધાના આઠ મહિના બાદ પણ લોન સેટલ નહીં થતા મહેશભાઈએ કંપનીની ઓફિસમાં જઈ તપાસ કરી તો ભદ્રેશે ત્યાં પૈસા જમા કરાવવાને બદલે પોતાના નવા ફ્લેટના ઈન્સ્ટોલમેન્ટમાં ભરી દીધા હતા અને તેણે જે રસીદ આપી હતી તે પણ બોગસ હતી.આ અંગે મહેશભાઈએ પોલીસમાં અરજી કરતા ભદ્રેશે ટુકડે ટુકડે રૂ.2.65 લાખ પરત કર્યા હતા. પણ બાકીના રૂ.13.55 લાખ નહીં આપતા છેવટે મહેશભાઈએ કરેલી અરજીના આધારે ઉત્રાણ પોલીસે ભદ્રેશ વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500