ત્રણેક વર્ષ પહેલાં ઉમરગામના બિલ્ડરના અપહરણ-ખંડણી કેસ તથા ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા કુખ્યાત ચંદન સોનાર ગેંગના બે સાગરિતો પૈકી એક આરોપીના જામીનની માંગને ગુજસીટોક એક્ટના કેસોની ખાસ અદાલત તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અતુલકુમાર આઈ.રાવલે નકારી અન્ય આરોપીને રૂ.25 હજારના શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
કુખ્યાત ચંદન સોનાર ગેંગના સાગિરતોએ ગઈ તા.22-3-2021ના રોજ ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરીને 1.02 લાખ લુંટી લઈને રત્નાગીરી જિલ્લાના ઉક્ષી ખાતેના એક મકાનમાં બંધક બનાવીને 30 કરોડની ખંડણી માંગી હતી.આ કેસમાં ઉમરગામ પોલીસે ચંદન સોનાર ગેંગના સાગરિતોની ધરપકડ કરી અપહરણ-ખંડણી સહિત ગુજસીટોક એક્ટના ભંગના ગુનાઈત કારસાની ફરિયાદ નોંધી આરોપીઓને જેલભેગા કર્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા ચંદન સોનાગ ગેંગના આરોપી સાગરિત ઈશરાર ઉર્ફે ટકલુ ઉર્ફે ટકલીયા મોબીન સલીમ મુખત્યાર શેખ (રે.કાશીમીરા,મીરા રોડ,થાણે મહારાષ્ટ્ર) તથા મૂળ બિહારના જહાનાબાદ જિલ્લાના વતની આરોપી રાકેશકુમાર ઉર્ફે કરણસીંગ જોન શત્રુધ્નસિંગ ઉર્ફે શ્યામસિંગ (રે.દેહુરોડ,ઓલ્ડ પુણે હાઈવે,પુણે મહારાષ્ટ્ર) કલ્પેશ દેસાઈ વિરલ ચલીયાવાલા મારફતે જામીન માટે માંગ કરી હતી.
બચાવપક્ષે જણાવ્યું હતું કે કે આ કેસના અન્ય આરોપી ઓને શરતી જામીનની સવલત મળી હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ ચાર્જશીટ બાદ આરોપીઓને પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી રાકેશકુમાર પહેલાથી જ ગેંગ સાથે સંકળાયેલા છે.વર્ષ-2020માં આસનસોલના ગુનામાં પકડાયા હતા.આરોપીઓ ગેંગ લીડર ચંદન સોનારના કહેવાથી રૂ.1.50 લાખ સહ આરોપી પપ્પુ ચૌધરીને ભોગ બનનારનું અપહરણ કરવા ટ્રાન્સપોર્ટેશન માટે આપ્યા હતા.
જ્યારે અન્ય આરોપી ઈસરાર ઉર્ફે ટકલુએ સમગ્ર ગુનામાં પુર્વ તૈયારી સાથે સક્રીય ભૂમિકા ભજવી છે.ભોગ બનનારના પરિવારના સભ્યો પાસે ખંડણી માંગવા સાદો મોબાઈલ ખરીદી ભોગ બનનારનું સીમકાર્ડ નાખી 30કરોડની ખંડણી માંગી છે.આરોપીઓની ભુમિકાને ધ્યાને લઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન નામંજુર કરવા માંગ કરી હતી.જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવા આધારે અંશતઃ માન્ય રાખી આરોપી ઈસરારના જામીનની માંગને નકારી કાઢી છે.જ્યારે સહ આરોપી રાકેશકુમારને કોર્ટે રૂ.25 હજારના શરતોને આધીન જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500