ભરૂચ શહેરના અલકાપુરી ખાતે ખાનગી સિક્યુરીટી એજન્સી ધરાવતાં શુકલા પરીવારની વડિલોપાર્જિત મિલ્કતમાં નકલી ડોક્યુમેન્ટસના આધારે સરકારી ચોપડે નામ ચઢાવાના પ્રકરણમાં બોગસ મરણ દાખલો બનાવી આપનારા ભરુચના ડૉકટર સુનીલ શાહ તેમજ એક મહિલા આરોપી સહીત બે આરોપીઓની જામીન અરજી પાંચમા અધિક સેશન્સ જજ એમ.એમ. સૈયદે નામંજુર કરી છે.
ગોત્રી દર્શન ડુપ્લેકસમાં રહેતાં વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગઈ તા. 23મી એપ્રીલ 2023ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 1994માં કુટુંબના મોભીઓએ એક પેઢી બનાવી હતી. જે પેઢીની ઓફીસ અલકાપુરી વિસ્તારમાં આવેલી છે આ કંપની ખાનગી સિક્યુરીટી કંપની તરીકે કાર્યરત છે.વિક્રાંતના કાકા વિજય ચંદ્રપ્રકાશ શુક્લા (રહે, પંચમ ડુપ્લેક્સ, સોમા તળાવ પાસે,ડભોઈ રોડ)એ બોગસ ડોક્યુમેન્ટસ બનાવીને કંપનીમાં ડાયરેકટર થયા હતા અને પેઢી હસ્તકની મિલ્કતના સરકારી ચોપડે પોતાના નામ ચઢાવ્યા હતા. ગોત્રી પોલીસે મુખ્ય આરોપી તરીકે વિજય ચંદ્રપ્રકાશ શુકલા તેમજ રેખાબેન નારાયણભાઈ વણઝારા (રહે, હરેસીંહ નગર હાઉસીંગ બોર્ડની બાજુમાં, વાઘોડીયા રોડ) સામે એફ.આઈ.આર. નોંધી હતી.
પોલીસ તપાસ દરમીયાન એવી હકીકત સામે આવી હતી કે, ભરુચના ડૉકટર સુનીલભાઈ પ્રફુલચંદ્ર શાહ (ઉ.વ.57) (રહે, શાહ નર્સીગ હોમ, જનતા માર્કેટ પાછળ પાંચબત્તી,ભરુચ)એ મુખ્ય આરોપી વિજય શુકલાના કહેવાથી વિલાસપતિ નામની વ્યકિતના મૃત્યુ અંગેના નકલી ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા. જે આધારે ભરુચ નગર પાલિકા દ્વારા વિલાસપતિ નામની વ્યકિતનો બોગસ મરણ દાખલો ઈશ્યુ કર્યો હતો. વિલાસપતિના નામે લેવાયેલી એલ.આઈ.સી.ની પોલિસીમાં રેખાબેન નારાયણ વણઝારા (રહે, હરીસીંહ હાઉસીંગ, વાઘોડીયા રોડ)ના ફોટોગ્રાફ લગાવ્યા હતા અને રેખાબેને સહીઓ કરી હતી.પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી હાલ જેલમાં રહેલા ડૉ. સુનીલ શાહ તેમજ રેખા વણઝારાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. મુખ્ય સરકારી વકીલ અનીલ દેસાઈની દલીલો ગ્રાહય રાખીને બંન્ને આરોપીઓની જામીન અરજી નામંજુર કરવાનો પાંચમા અધિક સેશન્સ જજ એમ.એમ. સૈયદે હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500