ગુજરાત રાજ્યની 182 વિધાનસભા પર 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં વિધાનસભા 2022ની ચૂંટણી નું મતદાન થયું હતું. જે બાદ ગુરુવારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાની પાંચ બેઠકો એવી 178-ધરમપુર, 179-વલસાડ, 180-પારડી, 181-કપરાડા અને 182-ઉમરગામ બેઠકના મતદાનની મતગણતરી વલસાડની સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ હતી.
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ અને અપક્ષો મળી કુલ 35 ઉમેદવારો માટે ડિસેમ્બરે મતદાન થયા બાદ 8મી ડિસેમ્બરે તમામ EVM ખોલી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં વલસાડની પાંચેય બેઠક પરના ત્રિપાંખીયા જંગમાં ભાજપના તમામ ઉમેદવાર જંગી લીડ સાથે વિજેતા બન્યા હતાં.
વલસાડ જિલ્લાની પાંચેય વિધાનસભાની હાથ ધરાયેલ મતગણતરી મુજબ 178-ધરમપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ છોટુભાઈ પટેલને 83,250 મત મળ્યા હતાં. કોંગ્રેસના કિશનભાઈ વી. પટેલને 33,409 મત મળ્યા હતાં. આમ આદમી પાર્ટીના કમલેશ ઘેલાભાઈ પટેલને 49,544 મત મળ્યા હતાં. કુલ 21 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ 33,706 મતની લીડથી વિજયી થયા હતાં. આ બેઠક પર કલ્પેશ પટેલ નામના ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેને 19410 મત મળ્યા હતાં.
ધરમપુર બેઠક પર કુલ 9 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેઓ માટે કુલ 2,51,084 મતદારો પૈકી 1,96,639 મતદારોએ મતદાન કર્યું હતું. 179- વલસાડ બેઠક પર 7 ઉમેદવારો માટે કુલ 2,64,444 મતદારો પૈકી 1,74,875 મતદારોએ મતદાન કર્યું હતું. જેમા ભાજપના ઉમેદવાર ભરતભાઈ કિકુભાઈ પટેલને 1,25,809 મત મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર કમલ શાંતિલાલ પટેલને 21,404 મત મળ્યા હતાં.
આમ આદમી પાર્ટીના રાજેશ પટેલને 22,067 મત મળ્યા હતાં. 21 રાઉન્ડના અંતે ભાજપના ભરત પટેલ 1,03,792 જેવી માતબર લીડથી વિજય બન્યા હતાં. 180- પારડી બેઠક પર 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જે માટે કુલ 2,60,634 મતદારો પૈકી 1,65,685 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર અને રાજ્યના નાણાં-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ મોહનલાલ દેસાઈને 1,21,743 મત મળ્યા હતાં.
કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન પટેલને 24,761 મત મળ્યા હતાં. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતનભાઇ કિશોરભાઈ પટેલને 15,173 મત મળ્યા હતાં. 20 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ 96,982 મતની લીડથી વિજયી બન્યા હતાં. 181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર 7 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં. જેમાં કુલ 2,66,808 મતદારો પૈકી 2,12,308 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર ભાજપના અને રાજ્યના પાણી પુરવઠા પ્રધાન જીતુભાઈ હરજીભાઈ ચૌધરીને 90,667 મત મળ્યા હતાં. કોગ્રેસના વસંતભાઈ બરજુલભાઈ પટેલને 57863 મત તો, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાંવિતને 52,611 મત મળ્યા હતાં. 20 રાઉન્ડના અંતે આ બેઠક પર ભાજપના જીતુ ચૌધરી 32,804 મતની લીડ મેળવી વિજયી બન્યા હતાં. 182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ભાજપના રમણલાલ નાનુભાઈ પાટકરને 1,09,896 મત મળ્યા હતાં.
કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ વજીરભાઈ વળવીને 45,230 મત મળ્યા હતાં. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ મોહનભાઈ પટેલ (ધોડી)ને 10,553 મત મળ્યા હતાં. આ બેઠક પર કુલ 2,86,022 માન્ય મતદારો પૈકી 1,72,842 મતદારોએ મતદાન કર્યું હતું. ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરે 64,666 મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જિલ્લાની તમામ પાંચેય બેઠકો પર ભાજપે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધોબી પછાડ હાર આપતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના સમર્થકોએ જીતના હર્ષનાદ સાથે ફટાકડા ફોડી વિજેતા ઉમેદવારોને ખંભે ઊંચકી વિજ્યોત્સવ મનાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં ગુરુવારે 8 ડિસેમ્બરે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા 35 ઉમેદવારોના ભાવિના ફેંસલા માટે સવારે 8 વાગ્યાથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં કુલ 386 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થયો હતો.
મત ગણતરી માટે અધિકારીઓથી માંડીને કર્મચારીઓ મળી કુલ 306 સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. કુલ 5 બેઠક માટેની મતગણતરી માટે 70 ટેબલ ફાળવવામાં આવ્યા હતાં. અધિકારીઓ કર્મચારીઓએ 101 રાઉન્ડમાં સાંજના 5 વાગ્યા સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જિલ્લાના નોંધાયેલા 13,28,992 મતદારો પૈકી 9,22,349 મતદારોએ મતદાન કરતા કુલ મતદાન 69.40 ટકા નોંધાયું હતું. મતગણતરી દરમ્યાન સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરી ત્યારબાદ EVMના મતની ગણતરી કરવામાં આવી હતી.
જિલ્લાની પાંચ બેઠકના કુલ 1395 મતદાન મથકો માટે એક વિધાનસભા સીટ દીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યા હતાં. એક ટેબલ પર 3 કર્મચારીઓ મતગણતરી કરી હતી. જેમાં મતગણતરી સુપરવાઈઝર, મતગણતરી મદદનીશ અને માઈક્રો ઓબ્ઝર્વરનો સમાવેશ થતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024