Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત જીત હાંસલ કરી : હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ પર જીત મેળવી

  • October 09, 2024 

જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. મંગળવારે જાહેર થયેલા પરિણામો મુજબ હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને સરકાર બનાવવા જઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ ફારુક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહનો પક્ષ નેશનલ કોન્ફરંસ સરકાર બનાવવા જઇ રહ્યો છે. હરિયાણામાં કોંગ્રેસની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું અને કારમી હારનો સામનો કરવો પડયો હતો. હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૩૭ બેઠકો મળી હતી. હરિયાણામાં વર્ષ ૧૯૬૭ બાદ પ્રથમ વખત એવુ બન્યું છે કે, જનતાએ સતત ત્રીજી વખત એક જ પક્ષને વિજય બનાવ્યો છે. વર્ષ ૨૦૧૪ પછી ૨૦૧૯ અને હવે ૨૦૨૪માં ભાજપે ત્રીજી વખત સત્તા પર કબજો જાળવી રાખ્યો છે. હરિયાણામાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોના મુદ્દા સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા.


આ દરમિયાન બે મોટા ખેડૂત આંદોલનો પણ જોવા મળ્યા હતા. તાજેતરના ખેડૂત આંદોલન બાદ ભાજપે મુખ્યમંત્રીપદેથી મનોહરલાલ ખટ્ટરને હટાવીને ઓબીસી નેતા નાયબસિંહ સૈનીને કમાન સોંપી હતી. જેમણે ચૂંટણી પરિણામો બાદ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હરિયાણાની જીતને ગ્રાન્ડ વિક્ટ્રી ગણાવી હતી અને કહ્યું હતું કે, વિકાસ અને સુશાસનના રાજકારણની જીત થઇ છે. મોદીએ બાદમાં દિલ્હીમાં પક્ષના હેડક્વાર્ટર પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ ચિત્ર સ્પષ્ટ થતા નાયબસિંહ સૈની હરિયાણાના જ્યારે ઓમર અબ્દુલ્લાહ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. બીજી બાજુ ૩૭૦ની કલમ હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.


જેના પરિણામો હરિયાણાની સાથે જાહેર કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહના પક્ષ નેશનલ કોન્ફરંસે બાજી મારી છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનારા નેશનલ કોન્ફરંસે જમ્મુ કાશ્મીરમાં ૪૯ બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપે પણ ૨૯ બેઠકો મેળવી છે. ૯૦ બેઠકો ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૪૬ બેઠકો જરૂરી છે. તેથી નેશનલ કોન્ફરંસ અને કોંગ્રેસ અથવા પીડીપી સાથે મળીને સરકાર બનાવશે. નેશનલ કોન્ફરંસના ઓમર અબ્દુલ્લાહ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત તેમના પિતા ફારુક અબ્દુલ્લાહે કરી હતી. છ વર્ષથી જમ્મુ કાશ્મીરમાં કોઇ ચૂંટાયેલી સરકાર નહોતી, સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજવા આદેશ આપ્યો હતો. તેથી અંતે ચૂંટણી યોજવામાં આવી હતી. ૩૭૦ હટાવવામાં આવી તે પહેલા પીડીપી અને ભાજપની ગઠબંધનવાળી સરકાર હતી.


જે વર્ષ ૨૦૧૪માં ચૂંટાઇ હતી. તે સમયે સત્તા ગુમાવનારા ઓમર અબ્દુલ્લાહે ત્યારે કહ્યું હતું કે, હું ફરી પાછો જીત મેળવીશ. ૧૦ વર્ષ બાદ તેમનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે કેમ કે તેઓ ફરી સત્તામાં આવી ગયા છે. ફારૂક અબ્દુલ્લાહે સોમવારે કહ્યું હતું કે જો જરૂર પડી તો મેહબુબા મુફ્તીના પક્ષ પીડીપી સાથે મળીને સરકાર બનાવીશું. હાલ નેશનલ કોન્ફરંસ પાસે ૪૨ બેઠકો છે બહુમતના આંકડા ૪૬ સુધી પહોંચવા તેણે ચાર બેઠકોના ટેકાની જરૂર પડશે. નેશનલ કોન્ફરંસ પાસે કોંગ્રેસ અને પીડીપીનો વિકલ્પ ખુલ્લો છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાની હાર થઇ હતી, જોકે પક્ષનો વોટશેર ૨૦૧૪માં ૨૩ ટકા હતો તે હવે ૧૦ વર્ષે વધીને ૨૫.૬૪ ટકા થયો છે. મેહબૂબા મુફ્તીનો પક્ષ પીડીપી ૨૦૧૪ની ચૂંટણીમાં ૨૮ મેળવી સત્તા પર આવ્યો હતો તેને આ વખતની ચૂંટણીમાં જનતાએ નકારી દીધો છે અને માત્ર ત્રણ જ બેઠકો આપી છે. ખુદ મેહબૂબા મુફ્તીના પુત્રી ચૂંટણી હારી ગયા હતા. જ્યારે કોંગ્રેસને અગાઉ ૧૨ બેઠકો મળી હતી જેમાં છનો ઘટાડો થતા માત્ર છથી જ સંતોષ માનવો પડયો છે. વોટશેર પણ ૧૮ ટકાથી ઘટીને ૧૨ ટકાએ પહોંચી ગયો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application